15 દિવસ પહેલાની ઘટનામાં ભાગીદારોએ ખોટી રીતે ધંધામાં નુકસાન બતાવીને રૂ. 4.37 કરોડ પડાવ્યા હતા : તો પ્રેમિકાએ બ્લેકમેઈલ કરીને લાખો પડાવ્યા’તા
મોરબી, : મોરબીમાં રહેતા ઉદ્યોગપતિને સિરામિક ફેકટરીમાં ચાર ભાગીદારોએ રૂ. 4.37 કરોડનો ચૂનો લગાડયો હતો અને પ્રેમિકાએ પણ અન્ય ઇસમ સાથે મળીને બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવી હેરાન પરેશાન કરતા આખરે કંટાળી જઈને આપઘાત કરી લીધો હતો. જે મામલે સીટી એ ડિવિઝન પોલીસે ચાર ભાગીદારો અને પ્રેમિકા સહિત 6 ઈસમો વિરૂદ્ધ મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. જેમાં આરોપી પ્રેમિકા સહિત બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે.
મૂળ હમીરપર હાલ મોરબી રવાપર ખાતે આવેલા એકતા પેલેસમાં રહેતા અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા (ઉ.વ. 42)અને ઝેરી દવા પીને આપઘાત કરી લીધા બાદ તેમને મરવા માટે મજબૂર કરવા બદલ ગત તા. 12 ઓગસ્ટના રોજ તેમના સિરામિક ઉદ્યોગના ભાગીદારો અમિતભાઈ વશરામભાઈ ચારોલા, ભાવેશભાઈ બાબુભાઈ વિડજા, બીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજા, મનોજભાઈ હરખાભાઈ સાણંદીયા ઉપરાંત તેમની પ્રેમિકા મનીષાબેન કિરણભાઈ ગોહિલ અને તેણીના સાગરીત અચત મહેતા એમ છ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચાર ભાગીદારોએ ધંધામાં ખોટી રીતે નુકસાન બતાવીને રૂ. 4.37 કરોડ પડાવ્યા હતા તેમજ જ્યારે પ્રેમિકા મનીષાબેન ગોહિલે પોતાના સાગરીત અચત મહેતા સાથે મળીને અશોકભાઈને બ્લેકમેઈલ કરી રૂ. 70- થી 80 લાખ પડાવ્યા હતા. આપઘાત પહેલા કારખાનેદારે લખેલી સ્યૂસાઈડ નોટ મળી હતી, જેના આધારે ગુનો દાખલ કરીને પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જે મામલે આજે પોલીસે આરોપી પ્રેમિકા મનીષાબેન ગોહિલ અને તેના મળતિયા અચત મહેતાને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે. જો કે, હજુ ચારેય ભાગીદાર મિત્રોનો પોલીસને કોઈ પત્તો લાગ્યો નથી.