વડોદરાઃ લગભગ પંદર વર્ષના સમયગાળા બાદ એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીનું ઓપન એર થિયેટર ફરી શરુ થશે.આ માટે ફેકલ્ટી સત્તાધીશોએ લગભગ ૧૫ લાખ રુપિયાના ખર્ચે સમગ્ર ફેકલ્ટીમાં ફાયર સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાની સાથે સાથે થિયેટરનું રિનોવેશન પણ કર્યું છે.
ફેકલ્ટીના ડીન પ્રો.ગૌરાંગ ભાવસારનું કહેવું છે કે, ફેકલ્ટી પાસે કોન્સર્ટ હોલ અને ઓપન એર થિયેટર છે.પંદર વર્ષ પહેલા ઓપન એર થિયેટરમાં વિદ્યાર્થીઓના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાતું હતું.જોકે ફાયર એનઓસીના અભાવે આ થિયેટર બંદ કરવાનો વારો આવ્યો હતો.એ પછી અત્યાર સુધી તમામ કાર્યક્રમો ફેકલ્ટીની અંદરના કોન્સર્ટ હોલમાં જ થઈ રહ્યા છે.
હવે ફેકલ્ટી દ્વારા ફાયર એનઓસી લેવા માટે સમગ્ર ફેકલ્ટીને આવરી લેતી પાઈપ લાઈન નાંખવામાં આવી છે.ફેકલ્ટીમાં ફાયર ફાઈટર પ્રવેશી શકે તેમ નથી અને તેના કારણે ફેકલ્ટીની ૩૫૦૦૦ લીટર ટાંકી સાથે પાઈપ લાઈનને જોડવામાં આવી છે.ઉપરાંત ફેકલ્ટીની અંદર પણ ફાયર એક્સ્ટિંગ્યુશર અને સ્મોક એલાર્મ સહિતના ઉપકરણો પણ લગાડવામાં આવ્યા છે.જેના કારણે હવે એક મહિનાની અંદર ફાયર એનઓસી મળી જાય તેવી શક્યતાઓ છે.એ પછી ઓપન એર થિયેટરમાં પણ વિદ્યાર્થીઓ શાસ્ત્રીય સંગીત, નૃત્યના કાર્યક્રમો, નાટકોનું આયોજન કરી શકશે અને પ્રેક્ટિસ પણ કરી શકશે.આ થિયેટર બહારના કાર્યક્રમો માટે ભાડે આપવા અંગેના વિકલ્પ પર હજી વિચારણા થઈ રહી છે.
કોન્સર્ટ હોલના ફ્લોરિંગને ઉધઈ લાગી ગઈ
ફેકલ્ટીની અંદર આવેલા કોન્સર્ટ હોલમાં આઠેક વર્ષ પહેલા વૂડન ફ્લોરિંગ કરવામાં આવ્યું હતું.આ ફલોરિંગને ઉધઈ લાગી જતા હવે તેને બદલીને નવેસરથી ફ્લોરિંગ કરવાની ફરજ પડી છે.હવે વૂડન ફ્લોરિંગની જગ્યાએ ટાઈલ્સ લગાડવામાં આવી છે.