વડોદરાઃ વડોદરામાં ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે.ગણપતિબાપાની ભક્તિના માહોલ વચ્ચે એમ.એસ.યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં પણ પહેલી વખત ગણેશજીનો મહિમા વર્ણવતી ૫૦ જેટલી હસ્તપ્રતો અલગ તારવવામાં આવી છે.
ઈન્સ્ટિટયુટના ડાયરેકટર ડો.શ્વેતા પ્રજાપતિનું કહેવું છે કે, વિઘ્નહર્તાની મોટાભાગની હસ્તપ્રતો વડોદરાના પંડિતો અને પૂજારીઓ પાસેથી મળેલી છે.કેટલીક હસ્તપ્રતો ૨૦૦૯માં ગ્વાલિયરના એક બ્રાહ્મણ પરિવારે ઈન્સ્ટિટયુટને ભેટમાં આપી હતી.તમામ હસ્તપ્રતો ૧૭મી સદીથી ૧૯મી સદીની વચ્ચે લખાયેલી છે.આ હસ્તપ્રતોમાં ગણેશજીનો મહિમા વર્ણવતી ગણેશ પુરાણ હસ્તપ્રત સૌથી જૂની અને ૧૭મી સદીમાં લખાયેલી હોવાનું મનાય છે.
ગણેશ ગીતા નામની હસ્તપ્રત ભગવદ ગીતાની શૈલીમાં લખાયેલી છે અને તેમાં ૧૧ અધ્યાય છે.જેમાં ભગવાન ગણેશ રાજા વરેણ્યને ગીતા સ્વરુપે ભારતીય વેદાંત દર્શનના સિધ્ધાંતોને સમજાવે છે.આ સિવાય કેટલીક હસ્તપ્રતોમાં ગણપતિ બાપાની પૂજા કેવી રીતે કરવી તે દર્શાવાયું છે.ગણેશ સહસ્ત્રનામનો એક સ્ક્રોલ પણ ઈન્સ્ટિટયુટમાં સચવાયેલો છે.જેના પર શ્રીજીના ૧૦૦૦ નામ લખાયેલા છે.આ ઉપરાંત ગણેશ લહેરી નામની એક હસ્તપ્રત પણ છે.જે શંકરાચાર્યે લખી હોવાનું મનાય છે.
ડો.શ્વેતા પ્રજાપતિના જણાવ્યા અનુસાર આમાંથી મોટાભાગની હસ્તપ્રતોનું રિસ્ટોરેશન કરવું પડે તેમ છે.એ પછી તેનું એક પ્રદર્શન યોજવાનું પણ અમે વિચારી રહ્યા છે.
ઈન્સ્ટિટયુટમાં સચવાયેલી હસ્તપ્રતોના નામ
ગણેશસ્ત્રોત કવચ
ગણપતિ પૂજન
ગણપતિ વિધાન
ગણેશ દર્શન
ગણેશ ગીતા
ગણેશ પુરાણ
ગણેશ કવચ
ગણેશ માનસપૂજા
ગણપતિ સ્ત્રોત
એકાક્ષર ગણપતિ કવચ