દિવાલ ચણવા બાબતની માથાકૂટમાં ઉત્તરાયણના દિવસે ખૂની ખેલ ખેલ્યો હતો
17 સાક્ષીને તપાસવામાં આવ્યા, 34 દસ્તાવેજી પુરાવા રજૂ થયા
બોટાદ: બોટાદ જિલ્લાના બરવાળામાં દિવાલ ચણવા જેવી સામાન્ય બાબતમાં ચાલી રહેલી માથાકૂટની દાઝ રાખી ચાર શખ્સે ઉત્તરાયણના પર્વે જ ખૂની ખેલ ખેલી એક યુવકની હત્યા કરી હતી. જે ચકચારી કેસમાં કોર્ટે ચારેય હત્યારાને આજીવન કેદની સજા ફટકારી છે.
પ્રાપ્ત વિગત અનુસાર બરવાળામાં રહેતા સંજયભાઈ બટુકભાઈ બેલમ અને આરીફભાઈ સિકંદરભાઈ નામના યુવાનો ગત તા.૧૪-૧-૨૦૨૩ના રોજ રોજીદ દરવાજા પાસે પાન-માવો ખાવા માટે જઈ રહ્યા હતા. ત્યારે માતાજીના મઢ પાસે પહોંચતા આરોપી મુકેશ ધુડાભાઈ બેલમ, વાસુદેવ મુકેશભાઈ બેલમ, જયદીપ મુકેશભાઈ બેલમ અને કાળુ મુકેશભાઈ બેલમ નામના શખ્સોએ તેના કાકા હરેશભાઈની દિવાલ ચણવા બાબતે માથાકૂટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી છરીના આડેધડ ઘા ઝીંકી સંજયભાઈને ગંભીર ઈજા પહોંચાડતા હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ હત્યાના બનાવ અંગે મૃતકના ભાઈ ભાવેશભાઈ બટુકભાઈ બેલમે ચારેય શખ્સ સામે બરવાળા પોલીસમાં આઈપીસી ૩૦૨, ૧૦૯, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી શખ્સોની ધરપકડ કરી હતી. તપાસ અધિકારીએ આ કેસની ચાર્જશીટ બોટાદની ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટમાં દાખલ કરી હતી. આ કામે ફરિયાદી પક્ષે ૧૭ સાક્ષીની તપાસી, ૩૪ દસ્તાવેજી પુરાવા તેમજ જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની ધારદાર દલીલો, રજૂઆતોને ધ્યાને લઈ ન્યાયમૂર્તિ એમ.જે.પરાસરએ ચારેય આરોપીઓને હત્યાના ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. આ કામમાં એડવોકેટ રાજુભાઈ બી. ખાચર વિથ પ્રોસિક્યુશન તરીકે રોકાયા હતા.