અયોધ્યામાં સરયુ કિનારે લાખો દીપ પ્રગટાવી રામ જન્મોત્સવ ઊજવાયો
ઉત્તર પ્રદેશના સંભલમાં પહેલી વખત શોભા યાત્રા નીકળી, પશ્ચિમ બંગાળ-મહારાષ્ટ્રમાં મુસ્લીમોએ શ્રદ્ધાળુઓ પર ફૂલો વરસાવ્યા
નવી દિલ્હી: વક્ફ સુધારા બિલ સંસદમાં પસાર થયા પછી તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે આજે દેશભરમાં રામનવમીની ધામધૂમથી ભવ્ય ઊજવણી થઈ હતી. ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત સમગ્ર દેશમાં અનેક શોભાયાત્રાઓ નીકળી હતી. અનેક વિસ્તારમાં અશાંતીની આશંકાઓ વચ્ચે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉત્તર પ્રદેશના સંભલમાં પહેલી વખત શોભાયાત્રા યોજાઈ હતી જ્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ રામનવમીની ઊજવણીમાં ભાગ લીધો હતો.
ઉત્તર પ્રદેશમાં ભગવાન રામની નગરી અયોધ્યામાં ફરી એક વખત આસ્થા અને શ્રદ્ધાનું ઘોડાપૂર ઉમટયંહ હતું. રામનવમી પ્રસંગે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન રામના દર્શન કરવા રામ મંદિર પહોંચ્યા હતા. શહેરમાં બપોરે ૧૨.૦૦ કલાકે રામજન્મોત્સવની ઊજવણી કરાઈ હતી. અયોધ્યામાં સાંજે સરયુ કિનારે બે લાખથી વધુ દીવા પ્રગટાવી રામજન્મની ઊજવણી કરાઈ હતી. રામનવમીના પ્રસંગે ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી.
ઉત્તર પ્રદેશના સંભલમાં રામનવમી પ્રસંગે લાંબા સમય પછી પહેલી વખત શોભાયાત્રામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સમયે પોલીસનો વ્યાપક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. અનેક જગ્યાએ પીએસી અને રેપિડ એક્શન ફોર્સ પણ તૈનાત રહી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રખાી હતી. ચંદૌસીના રામબાગ ધામ સ્થિત પર બનેલી ૫૧ ફૂટ ઊંચી ભગવાન રામની મૂર્તિ લોકોની આસ્થાનું કેન્દ્ર બની હતી. બીજીબાજુ પ્રયાગરાજમાં હિન્દુ સંગઠનના કેટલાક સભ્યોએ સાલાર મસૂદ ગાઝીની દરગાહ પર ભગવો ઝંડો લહેરાવી વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા તેઓ ભાગી છૂટયા હતા. આમ ઉત્તર પ્રદેશમાં એકંદરે તણાવપૂર્ણ વાતાવરણ છતાં રામનવમીની શાંતિપૂર્ણ ઊજવણી થઈ હતી.
પશ્ચિમ બંગાળમાં પણ લાખો હિન્દુઓને શોભાયાત્રામાં જોડાવા ભાજપના આહ્વાનથી તવાણપૂર્ણ વાતાવરણની આશંકા હતી. રાજ્યમાં અંદાજે ૨,૫૦૦થી વધુ શોભાયાત્રાઓ નીકળી હતી. જોકે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ૬,૦૦૦થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરાયા હતા. પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ રામનવમીની ઊજવણીમાં જોડાયા હતા. ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં ભગવાન રામના મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.
પશ્ચિમ બંગાળના માલદામાં ગયા વર્ષે તોફાનો ફાટી નીકળ્યા હતા ત્યારે આ વર્ષે પણ તણાવપૂર્ણ વાતાવરણની આશંકા હતી. જોકે, આ વખતે માત્ર માલદા જ નહીં મહારાષ્ટ્ર સહિત દેશના અનેક વિસ્તારોમાં મુસ્લિમોએ શોભાયાત્રા પર ફૂલો વરસાવી તેનું સ્વાગત કર્યું હતું. કેટલીક જગ્યાઓ પર શ્રદ્ધાળુઓને શરબત અને મીઠાઈઓ વહેંચી હતી. આમ, દેશભરમાં કોઈપણ બનાવ વિના શાંતિપૂર્ણ રીતે રામનવમીની ઊજવણી પૂરી થઈ હતી.