મુંબઈ : સમાપ્ત થતા નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં શેરબજારની રેલીને પરિણામે કંપનીઓ દ્વારા કવાલીફાઈડ ઈન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટસ (ક્યુઆઈપીસ)મારફત રૂપિયા ૧.૩૩ ટ્રિલિયનનું ભંડોળ ઊભુ કરવામાં આવ્યું છે. ભારતના મૂડી બજારના ઈતિહાસમાં સમાપ્ત થઈ રહેલા વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૪-૨૫માં ક્યુઆઈપી મારફત ઊભું કરાયેલુ ભંડોળ અત્યારસુધીનું સૌથી ઊંચુ છે.
નવા નાણાં વર્ષમાં ઈનિશિઅલ પબ્લિક ઓફર (આઈપીઓ) તથા કયુઆઈપી મારફત ભંડોળ ઊભા કરવાની માત્રા ઊંચી રહેવાની ધારણાં છે.
નાણાં વર્ષ ૨૦૨૪માં રૂપિયા ૭૧૩૦૬ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષમાં ક્યુઆઈપી મારફત કંપનીઓએ ૮૭ ટકા વધુ ભંડોળ ઊભુ કર્યુ છે એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું.
વિસ્તરણ કાર્યક્રમ હાથ ધરવા તથા બેલેન્સ શીટસને મજબૂત બનાવવા કંપનીઓએ કયુઆઈપી મારફત વધુ નાણાં ઊભા કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો. પ્રાપ્ત ડેટા પ્રમાણે ગયા વર્ષમાં ૬૪ કંપનીઓની સરખામણીએ વર્તમાન વર્ષમાં ૮૫ કંપનીઓએ ક્યુઆઈપી મારફત ભંડોળ ઊભા કર્યા છે.
વર્તમાન નાણાં વર્ષમાં કયુઆઈપી મારફત નાણાં ઊભા કરવાની માત્રા મૂલ્ય અને વોલ્યુમ બન્ને દ્રષ્ટિએ અત્યારસુધીની સૌથી વધુ હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં મૂડી બજારની રેલીનો લાભ લઈ કંપનીઓએ બજારમાંથી નોંધપાત્ર નાણાં ઊભા કરીને પોતાની બેલેન્સ શીટસ મજબૂત બનાવી હતી.
સંસ્થાકીય રોકાણકારો પાસેથી નાણાં ઊભા કરવા કંપનીઓ માટે ક્યુઆઈપી એક ઝડપી અને સરળ માર્ગ છે. ભંડોળ ઊભા કરનારી કંપનીઓમાં મુખ્યત્વે ઓટો, રિઅલ એસ્ટેટ, મેટલ તથા જાહેર ક્ષેત્રની બેન્કોનો સમાવેશ થતો હતો.
આગામી નાણાં વર્ષમાં પણ કંપનીઓ દ્વારા ભંડોળ ઊભા કરવાની માત્રામાં વધારો જળવાઈ રહેવાની ધારણાં છે. નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં આઈપીઓ તથા ક્યુઆઈપી મારફત રૂપિયા ૩ લાખ કરોડથી વધુની રકમ ઊભી થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.