SCO Summit China 2025 : ચીનમાં યોજાયેલી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક પછી એક દેશોના વડાઓએ મુલાકાત કર્યા બાદ વિશ્વભરનું તેના પર ધ્યાન કેન્દ્રીત થયું છે. પીએમ મોદીએ SCOના મંચ પર ભાષણ આપવાની સાથે બેઠકોમાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત તેમણે અનેક દેશોના નેતાઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરી છે. ત્યારે આ ઉષ્માભરી મુલાકાતો ભારતની વિદેશ નીતિનો મજબૂત સંદેશ દેખાડી રહી છે. જ્યારે મોદી ચીન પહોંચ્યા ત્યારે ત્યાં લાલજાજમ બીછાવીને ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત નેપાળના વડાપ્રધાન, માલદીવના રાષ્ટ્રપતિ, ઈજિપ્તના વડાપ્રધાન, તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિએ પણ મોદી સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન મોદી અને નેપાળના વડાપ્રધાન વચ્ચે મુલાકાત
વડાપ્રધાન મોદી (PM Narendra Mod)ની પહેલી મુલાકાત નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા (Nepal Prime Minister KP Sharma oli) ઓલી સાથે થઈ હતી. આમ તો બંને દેશો વચ્ચેના સંબંધો ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ ગાઢ રહ્યા છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા મુદ્દાઓ પર મતભેદો જોવા મળ્યા છે. જોકે મોદી-ઓલીની મુલાકાત વખતે બંને દેશોના મતભેદ ભુલાઈ ગયા હોય તેવું જોવા મળ્યું હતું. મોદીએ આ મુલાકાત દરમિયાન મૈત્રીપૂર્ણ વાતાવરણ ઊભું કર્યું હતું, જે ખૂબ જ પ્રશંસનીય હતું. મોદીએ આ મુલાકાતને ઊંડા અને ખાસ સંબંધોનું પ્રતીક ગણાવ્યું છે. આ મુલાકાતે ફરી એકવાર વિશ્વાસનું વાતાવરણ સ્થાપિત કર્યું છે.
તિયાનજિનમાં મોદી-મુઈઝુની ઉષ્માભરી મુલાકાત
વડાપ્રધાન મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ (Maldives President Mohamed Muizzu) વચ્ચે પણ મુલાકાત થઈ છે. આ મુલાકાત પણ ખૂબ જ અગત્યની મનાય છે, કારણ કે, તાજેતરમાં જ બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા હતા. મુઈઝુને લાંબા સમયથી ચીન-તરફી માનવામાં આવે છે અને તેમના સત્તામાં આવ્યા બાદ માલદીવ સંપૂર્ણપણે ચીનના પક્ષમાં જશે તેવી ચર્ચાઓ હતી. પરંતુ તિયાનજિનમાં મોદી-મુઈઝુની ઉષ્માભરી તસવીરો અને વલણ દર્શાવે છે કે માલદીવ હવે ભારત તરફ વળી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને માલદીવનો સહકાર માત્ર સરકારો સુધી સીમિત નથી, પરંતુ તેનાથી બંને દેશોની જનતાને સીધો લાભ થાય છે.
મોદીએ ઈજિપ્ત, તાજિકિસ્તાન, બેલારુસના વડા સાથે પણ મુલાકાત કરી
પીએમ મોદી અને ઈજિપ્તના વડાપ્રધાન મોસ્તફા મદબૌલી (Egypt Prime Minister Mostafa Madbouly) વચ્ચે પણ મુલાકાત થઈ છે. આ દરમિયાન મોદીએ પોતાના ઈજિપ્ત પ્રવાસની યાદ તાજી કરી કહ્યું કે, બંને દેશોની મિત્રતા નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે. ઈજિપ્ત ભારતનો આફ્રિકા અને મધ્ય-પૂર્વ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે.
વડાપ્રધાન મોદીએ તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઈમામોલી રહમોન (Tajikistan President Emomali Rahmon) સાથે પણ મુલાકાત કરીને વાતચીતને હંમેશા સુખદ ગણાવી છે. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચેના વેપારી અને સાંસ્કૃતિક સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે.
પીએમ મોદીએ સમિટમાં બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેન્કો (Belarusian President Alexander Lukashenko)ને પણ મલ્યા છે. મોદીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, ભારત અને બેલારુસ વચ્ચે સહયોગના ઘણાં લાભદાયી અવસરો મોજૂદ છે અને બંને દેશ આ શક્યતાઓ અંગે ખૂબ આશાવાદી છે.
આમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCO સમિટમાં અનેક દેશોના નેતાઓ સાથે મુલાકાત કરીને વિશ્વભરને સંદેશ આપ્યો છે કે, આ મુલાકાતો માત્ર આર્થિક જ નથી, પરંતુ તે સંબંધો ગાઢ બનાવવા અને ભાગીદારી વધારવા માટે પણ મહત્ત્વપૂર્ણ છે.