દૂષિત પાણીનો પ્રશ્નનો તાકિદે નિકાલ લાવવા માંગ
મનપા તંત્રને રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતા સ્થાનિકોએ દૂષિત પાણીના ફોટો વાઇરલ કર્યા
સુરેન્દ્રનગર: વઢવાણ ખીજડા-પા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ અને ડહોળુ પાણી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા ગંદા પાણી સાથેની તસ્વીરો પણ સોશિલ મીડિયામાં વાઈરલ કરી સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે.
વઢવાણ શહેરના ખીજડા-પા વિસ્તારમાં અંદાજે ૧૫૦થી વધુ પરિવારો વસવાટ કરે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી મનપા તંત્ર દ્વારા વિસ્તારમાં ખુબ જ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. મનપા તંત્ર દ્વારા દૂષિત પાણી વિતરણ કરાતું હોવાથી નગરજનોની હાલત જાયે તો કહાં જાયે જેવી થઇ છે. પાણી ડહોળું અને લાલ કલરનું હોવાથી લોકો તેનો પીવામાં પણ ઉપયોગ કરી શકતા નથી અને ન છુટકે બહારથી વેચાતું પાણી ખરીદવાનો વારો આવી રહ્યો છે. આ સમસ્યાનો મનપા તંત્ર જો વહેલીતકે ઉકેલ નહીં લાવે તો રોગચાળો ફેલાવાની નગરજનો દહેશત વ્યકત કરી રહ્યાં છે. દૂષિત પાણીની સમસ્યા અંગે સ્થાનિકોએ અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા રહીશો અને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.