અમદાવાદ,ગુરૂવાર
શહેરના મેઘાણીનગરમાં રહેતા એક વ્યક્તિએ બિમારીની સારવાર માટે એક વ્યાજખોર પાસેથી ટુકડે ટુકડે છ લાખ રૂપિયા લીધા હતા. જેની સામે તેણે અલગ અલગ સમયે ૨૯.૭૦ લાખની ચુકવણી કરી હોવા છતાંય, વ્યાજખોરે છ લાખની રકમ બાકી હોવાનું કહીને નાણાંની માંગણી કરીને ધમકી આપી હતી. આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે બેદરકારી દાખવીને આરોપી વ્યાજખોર પાસેથી ફરિયાદીએ આપેલો ચેક પરત લીધો નહોતો. જે બેેંકમાં જમા કરાવીને બેંકમાંથી પરત કરાવીને ફરિયાદીને ગુનામાં ફસાવી દેવાની નોટીસ મોકલીને ધમકી આપી હતી.
મેઘાણીનગરમાં આવેલી ગોકુલચંદ કસ્તુરચંદની ચાલીમાં રહેતા આશિષ તિવારી કાલુપુર શાક માર્કેટમાં વ્યવસાય કરે છે. વર્ષ ૨૦૨૧માં આશિષ તિવારીના પિતાને લીવરમાં સોજો હોવાથી તેમની જ ચાલીમાં રહેતા અજીત તોમર પાસેથી પાંચ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારબાદ ૨૦૨૩ દરમિયાન આશિષભાઇએ છ લાખ રૂપિયા લીધા હતા. જેની સામે ૨૯.૭૦ લાખ રૂપિયાની રકમ જમા કરાવી હતી. તેમજ આશિષભાઇની બે વિશીના નાણાં પણ પોતાની પાસે ગણાવી લીધા હતા. જો કે ૩૦ જેટલી રકમ આપી હોવા છતાંય, અજીત તોમર છ લાખની માંગણી કરતો હતો અને જો નાણાં ન હોય તો મકાન લખાવી લેવાની ધમકી આપતો હતો. તેણે છ લાખની સામે યુનિયન બેંકના બે ચેક પણ લીધા હતા. જે અંગે મેઘાણીનગર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.
સામાન્ય રીતે વ્યાજખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધે ત્યારે આરોપીએ ફરિયાદી પાસે લીધેલા ચેક અને અન્ય દસ્તાવેજ જપ્ત કરે છે. પરંતુ, મેઘાણીનગર પોલીસે બેદરકારી દાખવીને આરોપી પાસેથી ચેક જમા લીધા નહોતા. બીજી તરફ આરોપી નિવૃત આર્મી જવાન હોવાથી તે સતત ધમકી આપતો હતો અને તેણે આશિષભાઇના ચેકને બેકમાં જમા કરાવીને રિટર્ન કરાવીને વકીલની નોટીસ મોકલી હતી. જેમાં અજીત તોમર વિરૂદ્ધ વ્યાજખોરીની ફરિયાદ હોવા છતાંય, તેણે વકીલની નોટિસમાં આશિષને ૩૨ લાખ જેટલી રકમ ચુકવી હોવાનો ઉલ્લેખ કરીને હજુ છ લાખની રકમ બાકી હોવાનો ઉલ્લેખ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે મેઘાણીનગર પોલીસ પર વ્યાજખોરીના કેસના આરોપીને છાવરવાનો પણ આરોપ મુકાયો છે અને આશિષભાઇ હવે ન્યાય માટે પોલીસ કમિશનર જી એસ મલિક સમક્ષ રજૂઆત કરીને ન્યાયની માંગણી કરી છે.