Ahmedabad Crime: ગુજરાતના સુરક્ષિત કહેવાતા શહેર અમદાવાદમાં અવાર-નવાર અસામાજિક તત્ત્વોનો આતંક સામે આવે છે. જોકે, વારંવાર પોલીસ દ્વારા સરઘસો કાઢ્યાના ધતિંગ બાદ અને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં’ રહેશોના ડાયલોગ છતા અસામાજિક તત્ત્વોમાં કાયદો વ્યવસ્થા કે પોલીસનો કોઈ ડર જોવા નથી મળી રહ્યો. શહેરમાં ફરી એકવાર રવિવારે (31 ઓગસ્ટ) આવા જ અસામાજિક તત્ત્વોએ જુહાપુરા વિસ્તારમાં પોતાનો આતંક મચાવ્યો હતો. જેમાં સોનલ ચાર રસ્તા ઉપર ધોળા દિવસે જાહેરમાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં બે લોકોને ઈજા થઈ હતી.
આ પણ વાંચોઃ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ, લાખો શ્રદ્ધાળુઓ માટે કંટ્રોલરૂમ અને હેલ્પ ડેસ્ક શરૂ કરાયા
શું હતી ઘટના?
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રસોનલ ચાર રસ્તા પર ધોળા દિવસે અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. જેમાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જુહાપુરા વિસ્તારમાં તવક્કલ પાર્કમાં અમાન શેખ તેની પત્ની સસાથે રહે છે અને મીઠાખળીમાં ગેરેજમાં કાર વોશિંગનું કામ કરે છે. રવિવારે મોડી સાંજે તે પોતાના બે મિત્રો સાથે જુહાપુરા જઈ રહ્યો હતો. ત્યારે અચાનક સોનલ ચાર રસ્તા પર ટુ-વ્હીલર પર ત્રણ જેટલા શખસો આવ્યા અને અમાનને કહ્યું કે, તારી ગાડી સીઝ કરવાની છે. જોકે, અમાને એ વ્યક્તિને ઓળખવાનો ઈનકાર કરતા બોલાચાલી થઈ અને બાદમાં અજાણ્યા યુવકો તેની સાથે મારામારી કરવા લાગ્યા. બાદમાં એક શખસે છરી કાઢી અને તેના પર હુમલો કરવાનું શરૂ કરી દીધું.
બે લોકો ઈજાગ્રસ્ત
જોકે, અમાનને છોડાવવા ડતા તેના મિત્ર પર પણ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં ટોળા ભેગા થઈ જતા આ લોકો ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ સ્થાનિકોએ અમાન અને તેના મિત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા અને પોલીસને સમગ્ર બાબતે જાણ કરી. પરંતુ, પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ આ અસામાજિક તત્ત્વો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
આ પણ વાંચોઃ ‘ડેરીમાં એક લિટર દૂધ પણ આપતા નથી…’ ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા ભાજપમાં ભાંજગડ
પોલીસે હાથ ધરી તપાસ
આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેના આધારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને આ અસામાજિક તત્ત્વોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે વેજલપુર પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તેમની શોધખોળ હાથ ધરી છે.