વડોદરા,પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાના ગુનામાં માફિયા ગેંગ ગુ્રપના એડમિનની ધરપકડ પછી સિટિ પોલીસે એડમિનનની સાવકી માતાની પણ ધરપકડ કરી છે. પોલીસ આજે ત્રણ આરોપીઓને લઇને ઘટના સ્થળે રિકન્સટ્રક્શન કરવા ગઇ હતી. આરોપીઓને હાથે દોરડા બાંધી વિસ્તારમાં લઇ ગઇ હતી. જેના પગલે લોકોના ટોળા જામ્યા હતા.
એક સપ્તાહ પહેલા પાણીગેટ માંડવી રોડ પરથી મોડીરાતે અઢી વાગ્યે પસાર થતી ગણેશજીની શોભાયાત્રા પર ઇંડા ફેંકવામાં આવ્યા હતા. આ ગુનામાં પોલીસે અત્યારસુધી સગીર સહિત ૧૦ ને ઝડપી પાડયા છે. પોલીસે ૧૭ વર્ષના કિશોર, સૂફિયાન, શાહનવાઝ, જુનેદ મલેક, જાવીદ મલેક, સલીમ મનસુરી, જુનેદ સિન્ધી, અનસ કુરેશી અને સમીર શેખ અને ત્યારબાદ ગઇકાલે રાતે જુનેદ સિન્ધીની માતા સાદીકાબેનની પણ ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં ધરપકડનો આંકડો ૧૦ પર પહોંચી ગયો છે. હજી આ કેસમાં જુનેદ સિન્ધીના પિતા સલીમમીંયાને પકડવાના બાકી છે. આ ઘટનાના મુખ્ય સૂત્રધાર જુનેદ સિન્ધી અને તેના બે સાથીદારોને પોલીસ હાથે દોરડા બાંધી વિસ્તારમાં તપાસ માટે લઇ ગઇ હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રણેય આરોપીઓનું સરઘસ નીકળતા લોકો ટોળે વળ્યા હતા. આરોપીઓ હાથ જોડીને ચાલી રહ્યા હતા.
આ કેસમાં જુનેદની માતા સાદીકાબેને પણ આરોપીઓને મદદ કરી હોવાની વિગતો બહાર આવી છે. તેમણે કઇ રીતે અને શું મદદ કરી તે બાબત અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
માફિયા ગેંગ ૩૦૭ ને પીઠબળ તથા દોરીસંચાર કરનારની શોધખોળ
વડોદરા,
કોર્ટમાં આરોપીઓને રજૂ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરતા જણાવ્યું હતું કે, આરોપીઓની પૂછપરછ દરમિયાન એક હકીકત સ્પષ્ટ થઇ છે કે, તેઓનો ઇરાદો કોમી વૈમનસ્ય ફેલાવવાનો હતો. આ કાવતરામાં અન્ય કોણે મદદ કરી છે. તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. માફિયા ગેંગ ૩૦૭ ને પીઠબળ આપનાર વ્યક્તિઓને શોધવાના છે. કોમી બનાવ ના બને તે માટે આવા તત્વોને કડક હાથે ડામી દેવા માટે આરોપીઓની હાજરીની જરૃર છે. આરોપીઓને ભાગવામાં અને આશરો આપવામાં મદદ કરનારને શોધવાના છે. દોરી સંચાર કરનાર વ્યક્તિઓની માહિતી આરોપીઓ આપતા નથી.
આરોપીઓના નાણાંકીય સ્ત્રોતની તપાસ પોલીસે શરૃ કરી
વડોદરા,
આ સમગ્ર ષડયંત્રમાં નાણાંકીય સહાયના સ્ત્રોતની પોલીસ તપાસ કરી રહી છે. તમામ આરોપીઓના બેંક એકાઉન્ટ, આઇ.ટી. રિટર્ન, આવકના સોર્સ અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપીઓની આવક ગેરકાયદે રીતે થતી હોવાની શંકાના આધારે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, જો આરોપીઓના રિમાન્ડ નહીં મળે તો ગુનાના મૂળ સુધી પહોંચી શકાય નહીં અને અન્ય આરોપીઓને બચવાની પૂરેપૂરી તક મળી રહેશે.