વ્યસન માટે પૈસા આપવાની ના પાડતા
મધ્ય પ્રદેશનો પરિવાર વાડીમાં મજૂરી કરતો હતો ઃ પીએમ બાદ મહિલાના મૃતદેહને વતન મોકલાયો ઃ આરોપી પતિની ધરપકડ
સુરેન્દ્રનગર – વઢવાણ તાલુકાના ગુંદીયાળા ગામની સીમમાં વાડીની ઓરડીમાં પરપ્રાંતીય દંપતિ વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. જોરાવરનગર પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી પતિની ધરપકડ કરી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટ બાદ વતન મોકલી આપ્ય હતો. પોલીસે આરોપી પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વઢવાણના ગુંદીયાળા ગામની સીમમાં આવેલી ઉપેન્દ્રભાઈ છગનભાઈ પેઢડીયાની વાડી કાલીયા ઉર્ફે કાળુભાઈ મગનાભાઈ ઉર્ફે મગનભાઈ ઓહળીયા (રહે.રોડઢુ ગામ, મધ્ય પ્રદેશ)એ ભાગવી રાખી હતી. વાડીની ઓરડીમાં કાળુભાઈ તેમજ તેમના પત્ની નુરલીબેન ઉર્ફે નુરી તેમજ ત્રણ દિકરા સાથે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી વાડીની ઓરડીમાં જ રહેતા હતા.
છેલ્લા થોડા સમયથી કાળુભાઈ વાડીમાં ઓછું કરતા હતા અને પત્ની જ ઘરનો ખર્ચ ઉપાડતા હતા અને કાળુભાઇ અવાર-નવાર પત્ની પાસે રૃપિયા માંગતો હતો જેને લઇ બંને વચ્ચે રકઝક થતી રહેતી હતી. દરમિયાન આજે વહેલી સવારે કાળુભાઇ પત્ની પાસે ૧૦૦ માંગ્યા હતા પરંતુ પત્ની પૈસા આપવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થતાં રોષે ભરાયેલ કાળુભાઈએ પત્ની નુરલીબેન ઉર્ફે નુરીબેનને માથાના ભાગે ઈંટો તેમજ પથ્થરો વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડતા મોત નીપજ્યું હતું સમગ્ર બનાવ હત્યામાં પરિણામ્યો હતો.
કાળુભાઇના પુત્રએ બનાવની જાણ વાડી માલીક સહિત ગામના આગેવાનોને કરતા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જોરાવરનગર પોલીસ સ્થળ પર પહોંચી મૃતકના મૃતદેહને દેહનો કબજો લઈ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડયો હતો. પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહને અંતિમવિધિ માટે પોતના વતન રોડઢુ, મધ્યપ્રદેશ ખાતે લઈ જવાની તજવીજ હાથધરી હતી. જે મામલે વાડીના માલીકે હત્યા નીપજાવનાર પતિ કાલીયા ઉર્ફે કાળુભાઈ મગનાભાઈ ઉર્ફે મગનભાઈ ઓહળીયાવાળા સામે ફરિયાદ નોંધાવતા જોરાવરનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મળતી માહિતી મુજબ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા નીપજાવનાર પતિને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.