India-Bangladesh: બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે ભારતના ચિકન નેક કોરિડોરને લઈને નિવેદન આપીને વિવાદ ઉભો કર્યો છે. હાલમાં જ ચીનની મુલાકાત દરમિયાન યૂનુસે ભારતના પૂર્વોત્તર રાજ્યોને લઈને ટિપ્પણી કરી હતી, જેનાથી ભારત નારાજ છે. મોહમ્મદ યૂનુસે દાવો કર્યો હતો કે બાંગ્લાદેશ ભારતના પૂર્વોત્તર રાજ્યો માટે હિન્દ મહાસાગરનું એકમાત્ર રક્ષક છે. મોહમ્મદ યૂનુસે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોને ચારે બાજુથી લેન્ડલોક કહ્યા હતા.’ જેથી આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ સરમાએ યૂનુસના નિવેદનની સખત નિંદા કરી અને ભારત માટે એક નક્કર વ્યૂહરચના સૂચવી, જેથી ચિકન નેક પરની નિર્ભરતા ઓછી થઈ શકે.
યૂનુસે શું કહ્યું?
મોહમ્મદ યૂનુસે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશમાં રોકાણ વધારવાની અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે ભારતના પૂર્વોત્તર રાજ્યોને લઈને નિવેદન આપ્યું હતું, જેને ભારત વિરોધી ઈરાદાઓ હોવાનું જોવામાં આવી રહ્યું છે.
યૂનુસે કહ્યું, ‘ભારતના પૂર્વ ભાગમાં આવેલા સાત રાજ્યો, જેને સેવન સિસ્ટર્સ કહેવામાં આવે છે, ચારે બાજુથી જમીનથી ઘેરાયેલા છે. તેમની પાસે સમુદ્ર સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી. બાંગ્લાદેશ આ ક્ષેત્રમાં સમુદ્રનો એકમાત્ર રખેવાળ છે.’ આ નિવેદન માત્ર ભારતની ભૌગોલિક સ્થિતિ પર ટિપ્પણી કરતું નથી પરંતુ ચિકન નેક કોરિડોરના મહત્ત્વને પરોક્ષ રીતે પડકારવાનો પ્રયાસ પણ કરે છે.
યૂનુસના નિવેદન પર સરમા થયા ગુસ્સાથી લાલ
આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ગુસ્સાથી લાલ થઈ ગયા.
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક લાંબી પોસ્ટ લખી મોહમ્મદ યૂનુસના નિવેદનની સખત નિંદા કરી છે. આ અંગે તેમણે લખ્યું હતું કે, ‘બાંગ્લાદેશની વચગાળાની સરકારના મોહમ્મદ યૂનુસ દ્વારા આપવામાં આવેલ નિવેદન ખૂબ જ નિંદનીય અને અપમાનજનક છે. તેમણે ભારતના સાત ઉત્તર-પૂર્વીય રાજ્યોને લેન્ડલોક અને બાંગ્લાદેશને હિન્દ મહાસાગરનો એકમાત્ર રખેવાળ ગણાવ્યું છે. યૂનુસનું આ નિવેદન ભારતની વ્યૂહાત્મક ‘ચિકન નેક’ કોરિડોરની સંવેદનશીલતાને દર્શાવે છે.’
મોહમ્મદ યૂનુસના નિવેદનોને હળવાશથી ન લેવા જોઈએ- સરમા
CM હિમંતાએ આ અંગે વધુમાં કહ્યું કે, ‘ઐતિહાસિક રીતે, ભારતની અંદરના જ ઘણા આંતરિક તત્ત્વોએ ચિકન નેક કોરિડોરને કાપી નાખવા અને ભારતના ઉત્તર-પૂર્વીય ભાગને દેશની મુખ્ય ભૂમિથી અલગ કરવા જેવા ખતરનાક સૂચનો પણ આપ્યા છે. આવા પડકારોને ધ્યાનમાં રાખીને, આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે ચિકન નેક કોરિડોરની આસપાસ મજબૂત રેલ અને રોડ નેટવર્ક વિકસાવવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે.’
તેમણે કહ્યું, ‘આ સિવાય ઉત્તર-પૂર્વીય ભાગને ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડતા વૈકલ્પિક માર્ગોની શોધ પણ પ્રાથમિકતા હોવી જોઈએ. જો કે આ કાર્ય એન્જિનિયરિંગ પડકારોથી ભરેલું હશે, પરંતુ અમારા સંકલ્પ અને નવીનતાથી તે પૂર્ણ થઈ શકે છે. મોહમ્મદ યૂનુસના આ ભડકાઉ નિવેદનોને હળવાશથી ન લેવા જોઈએ, કારણ કે તે માત્ર શબ્દો સુધી મર્યાદિત નથી. તેની પાછળ તેમના ઊંડા વ્યૂહાત્મક વિચારો અને લાંબા ગાળાનો એજન્ડા છુપાયેલો હોઈ શકે છે.’
આ પણ વાંચો: યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ
ચિકન નેક શા માટે ધરાવે છે મહત્ત્વ?
ચિકન નેક, જેને સિલીગુડી કોરિડોર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારત માટે વ્યૂહાત્મક અને ભૌગોલિક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ વિસ્તાર છે. તે પશ્ચિમ બંગાળમાં સ્થિત જમીનની એક સાંકડી પટ્ટી છે, જે સાત ઉત્તરપૂર્વીય રાજ્યો (આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા) અને સિક્કિમને બાકીના ભારત સાથે જોડે છે.
આ કોરિડોર ઉત્તરપૂર્વ ભારત માટે એકમાત્ર લેન્ડ લિંક છે. જો તે કાપવામાં આવે તો લગભગ 5 કરોડની વસ્તી ધરાવતા પૂર્વોત્તર રાજ્યો મુખ્ય ભારતથી અલગ થઈ શકે છે.
ચિકન નેક દ્વારા પૂર્વોત્તર રાજ્યોમાં આવશ્યક ચીજવસ્તુઓ સપ્લાય કરવામાં આવે છે. દાર્જિલિંગ ચા અને લાકડા જેવા વેપાર માટે પણ આ વિસ્તાર મહત્ત્વપૂર્ણ છે. તે ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ ને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે, જે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે જોડાણને મજબૂત કરવાની વ્યૂહરચના છે.