વડોદરા,આજવા રોડ પર આવેલી પરિવાર વિદ્યાલયના આચાર્ય અને સ્ટાફ દ્વારા ટ્રસ્ટી મંડળ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે શિક્ષણાધિકારી અને ચેરિટી કમિશનર કચેરીમાં લેખિતમાં અરજી કરી છે.
આજવા રોડ પરિવાર વિદ્યાલયમાં શિક્ષકો અને આચાર્ય સહિતના સ્ટાફે ટ્રસ્ટી મંડળ સામે બાંયો ચઢાવી છે. ટ્રસ્ટી મંડળના એક ટ્રસ્ટીએ જ અન્ય ટ્રસ્ટીઓ સામે ગંભીર આક્ષેપો કરતી અરજી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા ચેરિટી કમિશનર કચેરીમાં કરી છે.જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, છેલ્લા ૨૦ વર્ષથી ગેરરીતિ કરવામાં આવી રહી છે. એક ટ્રસ્ટીની પુત્રી શાળામાં જ સવેતન ફરજ બજાવે છે. લાંબા સમયથી સ્ટાફના પ્રશ્નો પડતર છે. છેલ્લા ચાર વર્ષથી રજાનો પગાર આપવામાં આવ્યો નથી. સંચાલક મંડળના એક સભ્ય દ્વારા સ્ટાફને અવાર – નવાર ધમકી આપવામાં આવે છે. વિદેશ ગયેલા કર્મચારીઓનો બિનપગારી રજા મંજૂર કરાવી તેઓનો પગાર ઉધારી પી.એફ. ભરી દીધો છે. આ અંગે અન્ય ટ્રસ્ટીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓએ ફોન રિસિવ કર્યો નહતો.