વડોદરાઃ વડોદરાનાે રાજવી સમયના વારસારૃપ કલા અને સ્થાપત્યની બેનમૂન ઇમારતો નામશેષ થઇ રહી છે.મોગલ શાસન સમયથી વડોદરાના ઇતિહાસના સાક્ષી એવા માંડવી દરવાજાના ભાગ તૂટી રહ્યા હોવાથી બૂમો પડ્યા બાદ રિસ્ટોરેશન કામ શરૃ કરાયું છે.તો બીજીતરફ ભદ્રકચેરી પણ અત્યંત જર્જરિત થઇ ગઇ છે અને ચાર દરવાજાના પણ કાંગરા ખરી રહ્યા છે.
આવી જ એક માંડવી પાસેની બીજી ઐતિહાસિક ઇમારત નામશેષ થવાને આરે છે.વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ જ્યાં ભણ્યા હતા તે જૂના સરકાર વાડાની ઇમારત પણ તૂટી રહી છે.
માંડવી પાસેની જૂના સરકાર વાડાની ઇમારતમાં આવેલી અને સરદાર સ્કૂલ તરીકે ઓળખાતી ઇમારત હાલમાં અત્યંત જર્જરિત થઇ ગઇ છે અને તૂટવા માંડી છે.આ વિસ્તારના આગેવાનોએ કહ્યું હતું કે,ગાયકવાડી વારસો ધરાવતી ઇમારતો વડોદરાનો વૈભવ દર્શાવી રહી છે અને તેની દેખરેખ રાખવી ખૂબ જરૃરી છે.
જૂની ગઢીની વિસર્જનયાત્રા પહેલાં ભદ્રકચેરીની દીવાલ તૂટતાં મોટી જાનહાનિ થતા રહી ગઇ
જૂનીગઢીના ગણપતિની આજે વિસર્જન યાત્રા હતી.આ વિસર્જન યાત્રામાં ૨ હજારથી વધુ પોલીસ તૈનાત હોય છે.જ્યારે,લોકો પણ હજારોની સંખ્યામાં ભાગ લેતા હોય છે. વિસર્જનયાત્રા દીવાલ તૂટી તેની નજીકથી નીકળતી હોય છે.સારાનશીબે આ યાત્રા નીકળી તે પહેલાં દિવાલ ધરાશાયી થતાં મોટી જાનહાનિ થતાં રહી ગઇ હતી.
રેલવે સલૂનની 135 વર્ષ જૂની ઇમારત પણ ધ્વસ્ત કરી હતી
વડોદરાના કલાત્મક સ્થાપત્ય દર્શાવતી અનેક ઇમારતો હજી પણ હાજર છે.પરંતુ તેનું જતન નહિ કરાય તો તે પણ નામશેષ થઇ જશે.આવી જ એક ઇમારત નવાયાર્ડ રોડ પર રેલવે પ્લેટફોર્મ નંબર-૭ ની પાસે આવેલી હતી.જેને ગાયકવાડી સમયની રેલવે સલૂન તરીકે ઓળખવામાં આવતી હતી.લગભગ ૧૩૫ વર્ષ જૂની આ ઇમારત બૂલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે ચાર વર્ષ પહેલાં ધ્વસ્ત કરવામાં આવી હતી.