Surat Water Metro Project : સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી સુરતની પીવાના પાણી માટે જીવાદોરી છે પરંતુ હવે તાપી નદી પર બેરેજ સાકાર થાય પછી સુરત પાલિકા તાપી નદીનો મહત્તમ ઉપયોગ કરીને તાપી રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર મેટ્રો માટે વિચારણા કરી હતી. આ માટે પાલિકા કમિશનરે બજેટમાં વોટર મેટ્રોની ચકાસણી માટે જોગવાઈ પણ કરી હતી. જોકે, પાલિકાએ બજેટમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ રાખ્યો છે તેની ફીજીબીલીટીની ચકાસણી માટેની જવાબદારી ભારત સરકારી ઉપાડી છે. ભારત સરકાર દેશના 18 શહેરોની નદીમાં વોટર મેટ્રોની ફીજીલીબીટીની ચકાસણી કરશે. જેમાં ગુજરાતમાં સુરત ઉપરાંત અમદાવાદનો પણ સમાવેશ કરવામા આવ્યો છે.
સુરત પાલિકાએ તાપી નદીમાં ટ્રાન્સ્પોટેશન માટે પણ ઉપયોગ થઈ શકે તે માટે વિચારણા કરી બજેટમાં વોટર ટ્રાન્સપોર્ટ માટે વોટર મેટ્રોની ફીજીલીબીટી માટે જોગવાઈ કરવામાં આવી હતી. જોકે, આ માટે પાલિકા તંત્ર ખર્ચ કરે તે પહેલા જ કેન્દ્ર સરકારે ફીજીબીલીટીની ચકાસણીની જવાબદારી ઉપાડી લીધી છે. ભારતમાં એક માત્ર કોચી શહેરમાં વોટર મેટ્રો છે અને તે માટે કોચીની ટીમ સુરત આવીને વિવિધ સર્વે પણ કર્યો હતો.
સુરતમાં 108 કિલોમીટર લાંબા બીઆરટીએસ કોરિડોરને પણ સાંકળીને સુચિત બેરેજના અપસ્ટ્રીમમાં કઈ જગ્યાએ વોટર મેટ્રો માટેના સ્ટેશન ઊભા કરી શકાય? તે અંગેની સ્થળ વિઝિટ કરી શક્યતા તપાસી હતી. આ ટીમ બે વાર સુરત શહેરની મુલાકાત કરી ચુકી છે. આ સર્વે દરમિયાન વિવિધ ડેટા પણ ભેગા કરવામાં આવ્યા હતા.
પાલિકા આ કામગીરી આગળ ધપાવે તે પહેલાં ભારત સરકારે જ સુરત સહિત દેશના 18 શહેરમાંથી પસાર થતી નદીમાં વોટર મેટ્રોની ફીજીબીલીટીની ચકાસણી માટે નિર્ણય કર્યો છે તેના કારણે હવે સુરત પાલિકાને ફીજીબીલીટી માટે પૈસા ખર્ચવા પડશે નહીં. આ ફિઝિબિલિટી રિપોર્ટના આધારે સરકાર પ્રોજેક્ટ બાબતે આગળ નિર્ણય કરશે.
પાલિકા પાસેથી મળતી માહિતી પ્રમાણે ચીની ટીમ દ્વારા 22 કિલોમીટરના રૂટમાં નદીના બંને કાંઠે ડોકિંગ સ્ટેશનના લોકેશન, બંને બાજુ ઓછામાં ઓછા બે ટર્મિનલ, પાર્કિંગ સ્પેસની ઉપલબ્ધતાની ચકાસણી કરવામાં આવશે. સર્વેમાં વોટર મેટ્રો કે અન્ય ફેરી સર્વિસ જેવી સુવિધા શરૂ કરવા માટે ટ્રાન્સપોર્ટેશન રૂટ પર નદીની ઊંડાઈ જાળવી ખૂબ જ જરૂરી છે. તે અંગે પણ સર્વે કરવામાં આવશે.