વડોદરા, તા.2 અમદાવાદથી મુંબઇ તરફ જતી બે ટ્રકોને રોકીને આજોડ ટોલનાકા પર તપાસ કરતા ખીચોખીચ ગેરકાયદે કતલખાને લઇ જવાતા ૪૧૪ ઘેટા-બકરા મળતા પોલીસે બંને ટ્રકના ચાલકો સહિત પાંચની અટકાયત કરી પ્રાણી ક્રૂરતાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગૌરક્ષકોને મળેલી માહિતીના આધારે ગઇ સાંજે એક્સપ્રેસ હાઇવેના ટોલનાકા પર વોચ ગોઠવી હતી. દરમિયાન બે ટ્રકો આવતા તેને રોકી તપાસ કરતાં અંદર ગીચોગીચ બેસવા, ઊઠવા તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડે તેવી રીતે મુંગા પશુઓ ભરેલા હતાં આ પશુઓ માટે ઘાસચારા તેમજ પાણીની પણ કોઇ સગવડ ન હતી. આ અંગે પોલીસ કંટ્રોલ રૃમને જાણ કરતા મંજુસર પોલીસનો સ્ટાફ સ્થળ પર આવી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે બંને ટ્રકો તેમજ ઘેટા-બકરા કબજે કરી મોહંમદહનીફ અબ્દુલ્લાભાઇ જાજ (રહે.નવલપુર, નવાકૂવા પાસે, તા.મોડાસા), અબ્દુલરહિમ દાઉદભાઇ પટેલ (રહે.રોડલાઇનનગર, મોડાસા), મસ્તુફા હઠીકુલમીત ખાન (રહે.ખવાસપુરા, તા.કિશનપુરા, જિલ્લો શિવાન, બિહાર), જુનેદ યુનુસ મોમીન (રહે.સિધ્ધપુ, સોમીવાસ, જિલ્લો પાટણ) અને રફિક શબ્બીર શેખ (રહે.સેન્ટ્રલ જેલની નજીક, રાણીપ, અમદાવાદ)ની અટકાયત કરી હતી. બંને ટ્રકમાંથી બચાવાયેલા મુંગા પશુઓને મુંબઇ ખાતે કતલખાને લઇ જવાતા હોવાનું જાણવા મળ્યું હતું.