– બારેમાસ ભરેલો રહેતો ડેમ છતાં તંત્રની બેદરકારીથી લોકોને પાણી માટે વલખાં
– શહેર તથા થાન, ચોટીલા સાયલા તાલુકાના ગામોમાં ભર ચોમાસે પાણીનો કકળાટ : ફોલ્ટ શોધી પુરવઠો શરૂ કરવા તંત્રના હવાતિયાં
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરનો બારેમાસ પાણીથી ભરેલા રહેતા ધોળીધજા ડેમમાં તંત્રના વાંકે લોકોને પાણી માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ધોળી ધજા ડેમ પર ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાતા ત્રણ દિવસથી પાણી વિતરણ બંધ છે. પરિણામે સુરેન્દ્રનગર શહેર તથા થાન, ચોટીલા, સાયલા તાલુકાના ગામોમાં ભર ચોમાસે પાણીનો કકળાટ શરૂ થયો છે. ત્યારે ફોલ્ટ શોધી પુરવઠો શરૂ કરવા તંત્રએ હવાથિયાં મારવાનું શરૂ કર્યું છે.
સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર સહિતના શહેરી વિસ્તારો તેમજ થાન, ચોટીલા અને સાયલા તાલુકાને સૌની યોજના થકી શહેરના ધોળીધજા ડેમમાંથી પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. જેમાં શહેરી વિસ્તારમાં મનપા તંત્ર દ્વારા હાલ એકંતરે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ આસપાસના તાલુકાઓમાં પણ ધોળીધજા ડેમમાંથી પાઈપલાઈન મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. ડેમ વિસ્તારમાં પીજીવીસીએલની પેટા કંપની જેટકો દ્વારા પાણી વિતરણ માટે વિજ પુરવઠો પુરો પાડવામાં આવે છે પરંતુ ધોળીધજા ડેમ પર પાણીની વિતરણ વ્યવસ્થા માટે મુકવામાં આવેલ વિજ ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાતા છેલ્લા ત્રણ દિવસથી આ તમામ વિસ્તારોના રહિશોને પાણીનું વિતરણ કરવામાં આવ્યું નથી. જેના કારણે રહિશો સહિત મહિલાઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ધોળીધજા ડેમ બારે મહિના પાણીથી ભરેલો હોવા છતાં તંત્રની બેદરકારીના કારણે હાલ નિયમિત પાણી મળતું નથી ત્યારે તંત્ર દ્વારા તાત્કાલીક વીજ ટ્રાન્સફોર્મરમાં ખામી શોધી તેનું રીપેરીંગ કરવામાં આવે અને રાબેતા મુજબ લોકોને નિયમીત પાણી પુરૂ પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
વીજ તંત્રએ ટીમ મોકલી પણ ફોલ્ટ ન મળ્યો, આજે ખામી દૂર કરવાનો દાવો
આ અંગે વિજતંત્રના જવાબદાર અધિકારીનો સંપર્ક કરતા ધોળીધજા ડેમ પર મુકવામાં આવેલ વિજ ટ્રાન્સફોર્મરમાં સર્જાયેલ ખામીને શોધવા ટીમને મોકલી હતી પરંતુ કોઈ ફોલ્ટ મળી આવ્યો નહોતો. તેમજ ઈલેકટ્રીક મોટર અથવા ટ્રાન્સફોર્મરની પેનલમાં ખામી હોઈ શકે છે. જેના કારણે રીલે ઓપરેટ થતાં પાવર કટ થઈ જતો હોવાનું જણાવ્યું હતું. આજે ડેમ સાઈટ ઉપર મુકેલ તમામ ટ્રાન્સફોર્મર વારાફરતી ચેક કરી ખામી દુર કરવામાં આવશે.
લોકોને નિયમિત પાણી મળી રહે માટે મનપા કમિશનરે સૂચના આપી
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે ત્યારે આ મામલે મનપા કમિશનર ડો.નવનાથ ગ્વાહણેએ પણ વિજ ટ્રાન્સફોર્મરમાં ખામીના કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હોવાનું જણાવ્યું હતું ને લોકોને નિયમીત રાબેતા મુજબ પાણી મળી રહે તે માટે જવાબદાર તંત્રને તાત્કાલીક ખામી દુર કરી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.