ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી હાલ ભક્તિ યાત્રા પર છે. અનંત અંબાણી પોતાના જન્મદિવસ નિમિત્તે જામનગરથી પગપાળા ચાલીને ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા ખાતે દ્વારકાધીશનાં દર્શન માટે જઈ રહ્યા છે. આ દરમિયાનનો તેમનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે અનેક મરઘીના જીવ બચાવ્યા છે. એક વાહનમાં લઈ જવાઈ રહેલી મરઘીઓને અનંત અંબાણીએ ખરીદી હતી અને તેને પાળવાની વાત કરી હતી.
આ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક મરઘી ભરેલા વાહનને રોકીને તેઓ મરઘીઓને બચાવતા જોવા મળી રહ્યા છે. તેમણે હાથમાં એક મરઘીને પકડે છે અને તેઓ કહે છે કે, તેઓ તેને પાળશે. તેઓ ગાડી માલિકને બધી મરઘીના પૈસા આપીને ખરીદી લેવાની વાત કરે છે. અનંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, અનંત અંબાણી પશુ-પક્ષીઓ પ્રત્યે ખૂબ સ્નેહ રાખે છે. તેમણે જામનગરમાં સંરક્ષણ કેન્દ્ર પણ સ્થાપિત કર્યું છે, જેનું નામ વનતારા છે અને જ્યાં ગત દિવસોમાં વડાપ્રધાન મોદી પણ ગયા હતા.
અનંત અંબાણી છેલ્લા પાંચ દિવસથી પદયાત્રા કરી રહ્યા છે. અંદાજિત 140 કિલોમીટરની આ યાત્રાને પૂર્ણ કરવા માટે તેઓ દરરોજ રાત્રે 10-12 કિલોમીટર ચાલે છે. તેઓ 10 એપ્રિલે પોતાના જન્મદિવસ પર દ્વારકામાં પૂજા પાઠ કરશે. અનંત અંબાણીથી જોડાયેલ એક વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે, તેઓ રાત્રે એટલા માટે યાત્રા કરી રહ્યા છે જેથી ટ્રાફિકમાં કોઈ અડચણ ન ઊભી થાય.
જણાવી દઈએ કે, 28 માર્ચે રાત્રે 3 વાગ્યે રિલાયન્સ ટાઉનશિપ-વનતારાથી યાત્રા શરુ કરીને બે દિવસમાં 24 કિ.મી. પૂર્ણ કર્યા. Z પ્લસ સુરક્ષાની સાથે, તેઓ દરરોજ 10-12 કિ.મી. ચાલે છે અને જ્યાં યાત્રા પૂર્ણ થાય ત્યાંથી બીજા દિવસે ફરી શરુ કરે છે. તેમની આ યાત્રામાં તેમની સાથે બ્રાહ્મણો અને મિત્રો પણ જોડાયા છે, અને તેઓ સાથે મળીને ‘જય દ્વારકાધીશ’ના નારા લગાવી રહ્યા છે. 10 એપ્રિલે દ્વારકામાં તેમનો જન્મદિવસ ઉજવશે.