image : Freepik
Vadodara Weather Update : લો પ્રેસર આઈકલોનિકના કારણે તા.1થી 4 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ અથવા વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે વડોદરાના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશ વાદળોથી ઢંકાઈ ગયું હતું.
લો પ્રેસર આઈકલોનિકના કારણે આગામી ચાર દિવસ રાજ્યના વિવિધ વિસ્તાર પૈકી મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વગેરે જગ્યાએ છુટા છવાયા સ્થળોએ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે થન્ડરસ્ટોમની વોર્નિંગ પણ આપવામાં આવી છે. ચાર દિવસ દરમિયાન વરસાદની આગાહી અંતર્ગત આજે વડોદરા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોરના સમયે આકાશમાં વાદળોની ફોજ જોવા મળી હતી. જેના કારણે સૂરજ દેવના દર્શન બંધ થતા તડકાની અસર ઓછી થઈ હતી. ગરમીમાં સામાન્ય ઘટાડો થવાની સાથો સાથ બફારાનું સામ્રાજ્ય શહેરીજનોએ અનુભવ્યું હતું. રાજ્યમાં કમોસમી માવઠું થાય છે તો તેના કારણે ઉનાળુ પાક ઘઉં તેમજ કેરીના ઉત્પાદનને વ્યાપક અસર થવાની શક્યતા વર્તાઈ રહી છે.