Gujarat Politics News: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં કંથરપુરા ગામ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ તરીકે ચૂંટાયેલા અને બે વાર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા દિનેશભાઈ રામાભાઈ તડવીએ ભાજપ સાથે છેડો ફાડી પોતાના સમર્થકો સાથે આપનો ખેસ ધારણ કર્યો હતો.
આ સાથે સાથે આજુબાજુ ગામના માજી સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને કંથરપુરા, મરસણ, વાસણ, વીરપુર, રેગણ કોલોની, વડીયા ટેકરા, ઘાણીખોર, ડાભેડ, કાટકોઈ, વ્યાધર જેવા આજુબાજુના ગામોમાંથી યુવાઓ અને ગામના વડીલોએ પણ ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડ્યો અને 500થી પણ વધુ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.
આપમાં જોડાવવા અંગે તેમણે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવાની વિચારધારા, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પ્રામાણિક રાજનીતિ, વિચારધારા અને પાર્ટીએ જે કામગીરી છે તેનાથી પ્રેરિત થઈને આ તમામ નેતાઓ આગેવાનો અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે ગણતરીના મહિનાઓમાં જ મહા નગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સમસ્ત ગુજરાતમાં યોજાવવા જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીને પૂરો વિશ્વાસ છે કે આવનારી આ તમામ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી નવો ઇતિહાસ રચશે અને ગુજરાતની રાજનીતિને નવો વળાંક આપશે.