Jharkhand News: ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ અને ભારતીય સૈન્ય વચ્ચે ભયાનક અથડામણ સર્જાઈ હતી. જેમાં બે જવાનો શહીદ થઇ ગયા હતા. શહીદ થનારા સૈનિકોને ઓળખ સંતમ કુમાર અને સુનીલ રામ તરીકે થઇ હતી. જ્યારે આ એન્કાઉન્ટરમાં ઈજાગ્રસ્ત થનારા જવાનની ઓળખ રોહિત કુમાર તરીકે થઈ છે.
આ પણ વાંચોઃ ‘GSTના સુધારાઓનું સ્વાગત છે પણ હવે મોડું થઈ ગયું…’, પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ કેમ આવું બોલ્યાં?
પોલીસને મળી હતી બાતમી
આ કેસની માહિતી આપતાં ડીઆઈજી નૌશાદ આલમે જણાવ્યું હતું કે, પોલીસને સૂચના મળી હતી કે આ વિસ્તારમાં કર્મા પૂજાનું આયોજન થઈ રહ્યું છે અને આ સમય દરમિયાન પ્રતિબંધિત સંગઠન ટીએસપીસીના નક્સલીઓ આતંક ફેલાવવાનો પ્રયાસ કરી શકે છે. માહિતીના આધારે, એસપીના નેતૃત્વમાં પોલીસકર્મીઓએ પોતાને બે ટીમોમાં વહેંચી દીધા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન, હુમલામાં બે જવાન શહીદ થયા છે.
આ પણ વાંચોઃ ‘ટેરિફ અને GST સુધારાને એકબીજાથી કોઈ લેવા દેવા નથી..’, નાણામંત્રી સીતારમણે કરી ચોખવટ
બે જવાન શહીદ, એક ઘાયલ
વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે, જવાનો પહાડી માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા કે તરત જ છૂપાયેલા માઓવાદીઓએ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસે પણ વળતો જવાબ આપ્યો, પરંતુ એન્કાઉન્ટરમાં બે જવાન સંતન કુમાર મહેતા અને સુનીલ રામ શહીદ થયા હતા, આ સિવાય રોહિત કુમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ત્રણેય અગાઉ ટાઇગર મોબાઇલમાં તૈનાત હતા. ફાયરિંગમાં માઓવાદીઓની પણ જાનહાનિ થવાની શક્યતા છે, પરંતુ હજુ સુધી મૃતદેહો મળી શક્યા નથી. સમગ્ર ઘટના બાદ, આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઘટનાની માહિતી મળતાં જ, પલામુ એસપી અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. શહીદ જવાનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
આ એન્કાઉન્ટરને કારણે સમગ્ર જિલ્લામાં શોકનું મોજું છે. શહીદોની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપતાં પોલીસ અધિકારીઓએ કહ્યું કે માઓવાદીઓ સામેની ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવશે અને જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય.