– ફરજમાં અવરોધ ઊભો કરવા બદલ ગુનો
– કર્મચારીને લાકડી ફટકારી ફરી ઢોર પકડવા આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી
નડિયાદ : નડિયાદ શહેરમાં રાજીવનગર વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર બે મહિલાઓએ હુમલો કરીને ગાયને ભગાડી દીધી હતી. આ ઘટનામાં એક કર્મચારીને ઈજા પહોંચતા બે મહિલાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવને પગલે ફરજ પરના કર્મચારીઓની સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગના ચીફ હેડ વિશાલ સુંદરલાલ ગૌસ્વામીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, નડિયાદ શહેરમાં રખડતા પશુઓ નગરજનો તેમજ મહાનગરપાલિકા માટે માથાનો દુઃખાવો બન્યા છે. નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગના ચીફ હેડ કર્મચારીઓને સાથે લઈ તા.૧ સપ્ટેમ્બરના રોજ બપોરે જાહેરમાં રખડતા ઢોર પકડવા રાજીવનગર, પીજ રોડ, કેનાલ રોડ વિસ્તારમાં ગયા હતા. દરમિયાન રાજીવનગર ચૈતન્યદીપ સોસાયટી નજીક ગાય રસ્તા પર રખડતી હાલતમાં જોવા મળતા પકડીને વાહનમાં ચડાવતા હતા. દરમિયાન કંકુબેન ભરવાડ અને પન્નાબેન ભરવાડ બે મહિલાઓ એકાએક ધસી આવી ગાયને છોડાવવા કર્મચારીઓ સાથે ઝપાઝપી કરવા લાગી હતી.
ઝપાઝપીમાં કંકુબેન ભરવાડે કર્મચારી હિંમતભાઈ રૂપાજી બારોટને જમણા હાથ પર લાકડી મારી બંને મહિલાઓએ ગાયને ભગાડી મૂકી કર્મચારીઓને ફરીવાર આ વિસ્તારમાં ઢોર પકડવા આવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટી હતી. આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે કંકુબેન ભરવાડ અને પન્નાબેન ભરવાડ સામે ફરજમાં રૂકાવટ, હુમલો, અને ધમકી આપ્યાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આજે મનપાની ટીમ દ્વારા વધુ ૧૨ જેટલા રખડતા ઢોર મિશન રોડ પરથી ભરી ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા છે. મનપાએ ઢોર પોલિસીની અમલવારીમાં કડકાઈ દાખવતા ઢોર માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે.