Ahmedabad News : અમદાવાદમાં વર્ષ 2008માં લગ્ન કરીને થોડા સમય બાદ એક દંપતી ઓસ્ટ્રેલિયા ગયા હતા. જ્યાં બંને દંપતી વચ્ચે મતભેદ થતાં પતિએ ઓસ્ટ્રેલિયાની ફેડરલ સર્કિટ કોર્ટ સમક્ષ છૂટાછેડા લીધા હતા. સમગ્ર મામલે પત્નીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને લઈને હાઈકોર્ટે ઓસ્ટ્રેલિયાની કોર્ટનો છૂટાછેડાનો આદેશ રદ કર્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, હિન્દુ મેરેજ એક્ટ હેઠળ થયેલા લગ્નોને વિદેશી અદાલતો ત્યાંના કાયદા મુજબ રદ્દ કરી શકતી નથી. અધિકાર માત્ર ભારતની કોર્ટ પાસે છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટે એક કેસમાં મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયન કોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાના હુકમને હાઈકોર્ટે રદ્દ કરતાં પત્નીની અરજી મંજૂર કરી હતી. જ્યારે હાઈકોર્ટે ફેમિલી કોર્ટને દંપતીના લગ્નના હક પુન:સ્થાપિત કરવાનો આદેશ કર્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ અને 28 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ
સમગ્ર મામલે પત્નીએ ઓસ્ટ્રેલિયન કોર્ટ સમક્ષ પતિ દ્વારા દાખલ કરાયેલી અરજી પર કોઈ અધિકારક્ષેત્ર લાગુ પડતો ન હોવાનો દાવો કર્યો હતો. જોકે, ઓસ્ટ્રેલિયન કોર્ટે પત્નીની વાંધો ફગાવીને છૂટાછેડા મંજૂર કર્યા હતા. સમગ્ર મામલે કેસ હાઈકોર્ટમાં આવ્યો હતો. જેને લઈને હાઈકોર્ટની ડબલ જજની બેન્ચે ચૂકાદો આપતા સ્પષ્ટ કર્યુ કે, આ પ્રકારના લગ્નો પરનો અધિકારક્ષેત્ર ફક્ત ભારતીય કોર્ટને છે. આમ દંપતીએ હિન્દુ મેરેજ એક્ટની જોગવાઈઓ હેઠળ લગ્ન કર્યા હતા. જેથી લગ્ન સંબંધિત કોઈપણ સમસ્યાનું નિરાકરણ હિન્દુ મેરેજ એક્ટ મુજબ થવું જોઈએ, નહી કે વિદેશી કાયદા હેઠળ.