ઝાડા- ઉલટી અને ગભરામણ થતા ખેડા સિવિલમાં સારવાર માટે ખસેડાઈ
સ્કૂલના રસોડામાં ગંદકી અને બેદરકારીનો આક્ષેપ : આરોગ્ય અને શિક્ષણ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા : ખાદ્ય પદાર્થોના સેમ્પલ તપાસ માટે મોકલાયા
નડિયાદ: ખેડા જિલ્લાના માતર તાલુકાના વારુકાંસ પાસેની જ્ઞાનશક્તિ રેસીડેન્સ સ્કૂલમાં ૬૦થી વધુ વિદ્યાર્થિનીઓ ઝાડા- ઉલટી અને ગભરામણની બીમારીનો ભોગ બનતા ખેડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. સ્કૂલના રસોડામાં ગંદકી જોવા મળી હતી. ઉચ્ચ અધિકારીઓએ સ્થળ તપાસ કરી ખાદ્ય પદાર્થોના સેમ્પલ તપાસ માટે મોકલી આપ્યા છે. ત્યારે સ્કૂલ પ્રશાસન સામે કડક કાર્યવાહી થવાની શક્યતા છે.
માતર તાલુકાના વારુકાંસ નજીક આવેલી જ્ઞાનશક્તિ રેસીડેન્સ સ્કૂલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ બીમાર પડતા ચકચાર મચી ગઈ છે. ઝાડા-ઉલટી, ગભરામણ અને બેહોશ થવાની ફરિયાદ સાથે ૬૦થી વધુ વિદ્યાર્થિનીઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જેના કારણે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના બાદ શાળાના પ્રશાસન પર ગંભીર બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે. આ મામલાને દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઘટના પાછળ શાળાના રસોડામાં જોવા મળેલી ગંદકી જવાબદાર હોવાનો આક્ષેપ ઉઠયો છે. ઘટના બાદ અધિકારીઓની મુલાકાતની જાણ થતા તાત્કાલિક રસોડાની સફાઈ કરવામાં આવી હતી. જોકે, સફાઈ પહેલા અને પછીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જેમાં લોટ અને રોટલી બનાવતા મશીનોની નિયમિત સફાઈ ન થતી હોવાનું અને જમવાનું બનાવવાની જગ્યાની બાજુમાં જ એઠવાડ અને ગંદા વાસણો પડયા હોવાનું જોવા મળ્યું છે.
આ ઘટના બાદ ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ખેડા મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ શાળા અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અધિકારીઓ દ્વારા રસોડામાંથી અનેક ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ગંભીર બેદરકારી બદલ શાળા પ્રશાસન સામે કડક કાર્યવાહી થવાની સંભાવના છે.
પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગ જણાતંુ નથીઃ આરોગ્ય અધિકારી
આ મામલે આરોગ્ય અધિકારી વિ.એસ. ધુ્રવે જણાવ્યું હતું કે, સ્થળની વિઝીટ આજે કરી હતી. ફૂડ પોઈઝનિંગની અસર જણાતી નથી. એક બાળકને સામાન્ય વોમિટિંગનો પ્રશ્ન હતો. અન્ય ૨૬ બાળકો પણ તપાસાર્થે ગયા હતા, જેમને પ્રાથમિક તપાસ કરી છે, પરંતુ કોઈ અસર જોવા મળી નથી. પાંચેક બાળકોને નાની-મોટી જે તાવ કે અન્ય અસર છે, તે સિઝનના કારણે થઈ હોવાનું માની શકાય છે. સ્થળ પરથી ફૂડના સેમ્પલ પણ લીધા છે. જો કે, ફૂડના કારણે સ્થિતિ થઈ હોત તો ખૂબ મોટા પાયે બાળકોમાં તેની અસર જોવા મળી હોત. પરંતુ માત્ર એક જ બાળકને સામાન્ય વોમિટનો પ્રશ્ન જણાયો છે.