સાવલી તા.૨૪ સાવલી તાલુકા અમરાપુરા ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં રેતીના ગેરકાયદે ખનન પર ખાણ ખનિજ વિભાગે સવારે ત્રાટકીને ૯ ડમ્પર અને ત્રણ મશીન મળી કુલ આશરે સાત કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સાવલી તાલુકામાંથી પસાર થતી મહિ નદીમાં મોટાપાયે ગેરકાયદે રેતીખનન ચાલે છે તેવી વ્યાપક ફરિયાદો થતી હોય છે. ઉચ્ચ કક્ષાએ ફરિયાદ બાદ ખાણ ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી મોટી કાર્યવાહી હાથ ન ધરાતા રેતી માફિયાઓને મોજ પડી ગઇ હતી.
દરમિયાન આજે સવારે સાત વાગે ખાણ ખનિજ વિભાગની ટીમોએ અચાનક અમરાપુરા ગામે દરોડો પાડતાં જ રેતી માફિયાઓમાં ભાગદોડ મચી ગઇ હતી. ખનિજ વિભાગ દ્વારા ૯ હાયવા ટ્રક, ૩ હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
અમરાપુરામાં મોટી માત્રામાં રેતી ખનન ચાલતું હતું અને તંત્રને ધ્યાને પણ ન હતું. જ્યારે આ દરોડામાં પણ આંતરિક હરીફાઈના કારણે બાતમી આપવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડયું છે.