– 7 સપ્ટે.ની રાત્રીથી 8 સપ્ટે. સવાર સુધી ચાલશે ‘બ્લડ મૂન’
– રીજીયોનલ સાયન્સ સેન્ટર નારી ખાતે આ અવકાશ દર્શન કરવા ટેલીસ્કોપ મુકાશે
ભાવનગર : ચાલુ વર્ષ ૭ સપ્ટે.ની રાત્રીએ અદ્દભૂત અવકાશી ઘટના બ્લડ મૂન થવા જઇ રહ્યું છે. જે ચંદ્રગ્રહણનો નજારો જોવા ભાવનગર નારી પાસે આવેલ રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશેષ ટેલીસ્કોપની વ્યવસ્થા કરવામાં આવી છે.
ખગોળશાસ્ત્રીના ઉત્સાહીઓ માટે સપ્ટેમ્બર મહિનો આકર્ષક છે. વર્ષ ૨૦૨૫નું અંતિમ ચંદ્રગ્રહણ રવિવારે થવા જઇ રહ્યું છે. આ ગ્રહણ ભારતમાં ૭ સપ્ટેમ્બરની રાત્રે શરૂ થશે અને ૮ સપ્ટેમ્બરની સવાર સુધી ચાલુ રહેશે તેની શરૂઆત રાત્રે ૮.૫૮ કલાકે થશે. બ્લડ મૂન રાત્રે ૧૧ થી ૧૨.૨૨ વાગ્યા સુધી વધુ ઘેરો લાલ જોવા મળશે. તેની સમાપ્તિનો સમય ૮ સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે ૧.૨૫ કલાકનો રહેશે. એટલે કે આ દ્રશ્ય પાંચ કલાકથી વધુ સમય માટે રહેશે. આમાંથી ચંદ્ર ૮૨ મિનિટ સુધી સંપૂર્ણપણે લાલ દેખાશે. આ બ્લડ મૂન ખાસ છે. કારણ કે તે લાંબા ગાળાનો હશે અને ખુબ મોટા વિસ્તારમાં દેખાશે, પરંતુ ખુલ્લા આકાશ અને સ્વચ્છ હવામાનવાળા શહેરોમાં આ દ્રશ્ય સૌથી અદ્દભુત હશે. જે ભાવનગરમાં પણ દેખાશે. અદ્દભૂત અવકાશી ઘટના જેને બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવે છે, તે સમગ્ર ગુજરાતમાં દેખાશે. આરએસસી ભાવનગર ખાતે અદ્યતન ટેલિસ્કોપ દ્વારા મંત્રમુગ્ધ કરનાર બ્લડ મૂન નિહાળવા માટે આકાશ દર્શનનું આયોજન કરવામાં આવેલ છે. સાથે મુલાકાતીઓને ગ્રહણ, પૂર્ણ ગ્રહણ તથા ચંદ્રનો રંગ કેમ લાલ દેખાય છે ?, બ્લડ મૂન જોવા માટેની ટિપ્સ વગેરે ખગોળશાસ્ત્રની ઘટના વિશે માહિતી આપવામાં આવશે.