– બગોદરા પોલીસે વાહન ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો
– અમદાવાદ શહેરના 4 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના 6 ગુના ઉકેલાયા : આરોપી સામે અગાઉ પ્રોહિબીશનના 3 ગુના નોંધાયેલા
બગોદરા : બગોદરા પોલીસે વાહન ચોરીના એક રેકેટનો પર્દાફાશ કરીને એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ચોરી કરેલા ૫ એક્ટિવા અને ૧ સીએનજી રિક્ષા સાથે કુમારભાઈ જગમાલભાઈ ચુનારા નામના શખ્સને કણોતર ગામમાંથી ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરના અલગ અલગ ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા છ વાહનોની ચોરી બાવળા તાલુકાના કણોતર ગામના શખ્સે કરી હોવાની બગોદરા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે બગોદરા પોલીસે કણોતર ગામમાં કુમારભાઈ ચુનારાના ઘરે દરોડો પાડયો હતો. પોલીસે આરોપીના ઘરેથી ૫ એક્ટિવા (કિં.રૂ. ૫૦,૦૦૦) જે અમદાવાદ શહેરમાંથી ચોરાયા હતા અને એક સીએનજી રિક્ષા (કિં.રૂ. ૫૦,૦૦૦) જે અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હતી મળી કુલ રૂ.૧,૦૦,૦૦૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યોે હતો. પોલીસે આરોપીને ધરપકડ કરી સાબરમતી પોલીસ સ્ટેશન, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન, અસલાલી પોલીસ સ્ટેશન અને સાબરમતી રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપી કુમારભાઈ જગમાલભાઈ ચુનારાનો ભૂતકાળમાં પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. તેની સામે અગાઉ બગોદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ત્રણ ગુના નોંધાયેલા છે.