FIR against MP Umesh Patel : દમણ પોલીસે ગત 28 ઓગસ્ટ, 2025ના રોજ ફેસબુક લાઇવ દરમિયાન વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણી કરવાને લઈને દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલ વિરુદ્ધ FIR નોંધી છે.
ઉમેશ પટેલે શું કહ્યુ હતુ?
મળતી માહિતી મુજબ, દમણના સાંસદ ઉમેશ પટેલ વિરૂદ્ધ ફેસબુક લાઈવમાં વિવાદિત ટિપ્પણીને કરવા મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા લાઈવમાં IAS, IPS અધિકારીને ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘શું તમે સાચી રીતે IAS, IPS બન્યા છો કે પછી યુપી-બિહારમાં ચોરી કરીને પાસ થાય છે એ રીતે બન્યા છો? જો તમે ભણેલાં હોય તો મુઠ્ઠીભર પાણી લો અને ડૂબી મરો…’
વિવાદિત ટિપ્પણી મામલે સાંસદ સામે ફરિયાદ
સમગ્ર મામલે નાની દમણના રહેવાસી રામકુમાર ઈશ્વર શાહ નામના વ્યક્તિએ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, સાંસદ ઉમેશ પટેલની ટિપ્પણીઓ IAS અને IPS અધિકારીઓનું અપમાન કરતી હતી અને રાજ્યના અધિકારીઓનો અનાદર કરતી હતી. તેમજ બિહાર અને ઉત્તર પ્રદેશના સમુદાયોની લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણી કરી હતી.
દમણ અને દીવના સાંસદના નિવેદન મામલે નાની દમણ પોલીસે ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 353(1) અને (2) હેઠળ કેસ નોંધાયો છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, સાંસદના આ નિવેદનો ખોટા, ભ્રામક અને ઉશ્કેરણીજનક હતા, જે બિહાર અને ઉત્તર પ્રદેશના લોકોમાં અસંતોષ અને નફરત ફેલાવતા હતા.
આ પણ વાંચો: કચ્છના મુન્દ્રામાં કરૂણ ઘટના: કેનાલમાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત, માતાનો બચાવ
બીજી તરફ, આ મુદ્દાએ રાજકીય ચર્ચા જગાવી છે. જેમાં દમણમાં રહેતા બિહાર અને ઉત્તર પ્રદેશના સ્થાનિક રહેવાસી અને સમુદાયના પ્રતિનિધિઓએ સાંસદની ટિપ્પણીની નિંદા કરી છે.