Glacier Melting Crisis Arunachal Pradesh: અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયરના ઝડપી પીગળવાને કારણે રાજ્ય પર ગંભીર ખતરો ઊભો થયો છે. ગ્લેશિયર પીગળવાથી તળાવોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે, જે ભવિષ્યમાં તળાવ ફાટવા અથવા પૂર જેવી પરિસ્થિતિ સર્જી શકે છે અને મોટા પાયે વિનાશ નોતરી શકે છે.
સેન્ટર ફોર અર્થ સાયન્સ એન્ડ હિમાલય સ્ટડીઝ (CES&HS) દ્વારા તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે કે પૂર્વ હિમાલયના કેટલાક ગ્લેશિયર દર વર્ષે 1.5 મીટરની ઝડપે પીગળી રહ્યા છે.
અરુણાચલમાં ગ્લેશિયરનું પીગળવું
છેલ્લા કેટલાક સમયથી, સેન્ટર ફોર અર્થ સાયન્સ એન્ડ હિમાલય સ્ટડીઝ તવાંગના ગોરીચેન પર્વત પરના ખાંગરી ગ્લેશિયર પર નજર રાખી રહ્યું છે. એક સેટેલાઇટ સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે 2016થી 2025 દરમિયાન આ વિસ્તારના તળાવોનું કદ ઝડપથી વધ્યું છે. આ તળાવો ફાટવાથી અરુણાચલના ઘણા વિસ્તારોમાં અચાનક પૂરનું જોખમ વધી ગયું છે.
2023માં આવી હતી મોટી આફત
3 ઓક્ટોબર 2023ના રોજ દક્ષિણ લ્હોનાક તળાવમાં ગ્લેશિયરનો મોટો હિસ્સો પડ્યો હતો, જેના કારણે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ આવ્યું હતું. તેની અસર 385 કિલોમીટર સુધી તિસ્તા નદીથી થઈને બાંગ્લાદેશ સુધી થઈ હતી. આ આફતમાં સિક્કિમમાં 55 લોકોના મૃત્યુ થયા હતા અને 74 લોકો લાપતા થયા હતા.
આ પણ વાંચો: પંજાબમાં ભયાનક પૂર વચ્ચે ડેમ તૂટવાની અણીએ, 15 ગામડામાં પૂરનું સંકટ, લાખો લોકો મુશ્કેલીમાં
ગોરીચેન પર્વત વિસ્તારમાં આવેલું રાણી તળાવ ગ્લેશિયર પીગળવાની સૌથી વધુ અસર હેઠળ છે. જો આ તળાવ ફાટે તો અરુણાચલ સહિત સિક્કિમમાં ફરીથી ફ્લેશ ફ્લડ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
432 ગ્લેશિયલ તળાવોનું મોનિટરિંગ
સેન્ટ્રલ વોટર કમિશનના રિપોર્ટ અનુસાર, દેશમાં 400થી વધુ ગ્લેશિયલ તળાવો ખતરામાં છે કારણ કે તેમનું કદ ઝડપથી વધી રહ્યું છે. આ જોખમને ધ્યાનમાં રાખીને, CWC દ્વારા લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં આવેલા 432 ગ્લેશિયલ તળાવો પર સતત નજર રાખવામાં આવી રહી છે.