– વિરમગામ શહેર માત્ર સવા ઈંચ વરસાદમાં થંભ્યું
– પરકોટા, નાના પરકોટા, ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા વિસ્તારમાં ઘર-દૂકાનોમાં પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી
વિરમગામ : વિરમગામ શહેર અને તાલુકામાં શુક્રવારે રાત્રિના અને શનિવારના રોજ બપોરના સમયે વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડતા શહેરના નિચાણવાળા વિસ્તાર પરકોટા, નાના પરકોટા, ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા સહિતના નીચાણ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.
વિરમગામ અને શહેર અને તાલુકામાં તેમજ નળકાંઠા વિસ્તારમાં શુક્રવારે દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે રાત્રિના વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ભારે પવન સાથે પડેલા વરસાદને પગલે કેટલીક દુકાનો ઉપર લગાવેલા બોર્ડ અને છાયા માટે બાંધવામાં આવેલા કાપડનામાંડવા તૂટી ગયા હતા. શનિવારે સવારથી જ સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા બપોરના સમયે ધોધમાર વરસાદ વરસતા સાંજના છ વાગ્યા સુધીમાં ૧.૧૪ ઇંચ (૨૯ મીમી) પડયો હતો.
વિરમગામ શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે પરકોટા, નાના પરકોટા, ગોલવાડી દરવાજા, ભરવાડી દરવાજા, વિસ્તારોમાં ઘરો અને દૂકાનોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી અને માલ સામાનને નુકસાન થયું છે. વરસાદી પાણી નદીઓની જેમ રોડ ઉપર વહેવા લાગ્યા હતા. નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. વરસાદી વાતાવરણ વચ્ચે ગણપતિજીના વિસર્જનના વરઘોડા વરસતા વરસાદમાં વિસર્જન સ્થળે જવા નીકળ્યા હતા.