અમદાવાદ,રવિવાર
શહેરના ચાંદખેડામાં આવેલી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં રહેેતા બુટલેગરને ત્યાં દરોડા પાડીને ચાંદખેડા પોલીસે મકાન અને કારમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યાં ગોતા ઓવરબ્રીજ પાસે દારૂના નશામાં ધમાલ કરતા ચાર શખ્સોને સોલા પોલીસે ઝડપીને કાર્યવાહી કરી હતી.
ચાંદખેડા પોલીસનો સ્ટાફ શુક્રવારે મોડી રાતના પેટ્રોલીંગમાં હતો ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એન જી સોંલકીને બાતમી મળી હતી કે ચાંદખેડામાં આવેલી પ્રહલાદ પાર્ક સોસાયટીમાં રહેતો ધર્મેન્દ્રસિંહ પઢિયારે તેના ઘરમાં તેમજ પાર્ક કરેલી કારમાં દારૂનો જથ્થો છુપાવ્યો છે અને તે સ્થાનિક વિસ્તારમાં વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને બુટલેગરના અન્ય એક રહેણાંક મકાનમાં તપાસ કરતા ત્યાંથી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત, પોલીસે સોસાયટીમાં પાર્ક કરેલી એક કારમાં છુપાવેલો દારૂ બીયરનો જથ્થો જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ધર્મેન્દ્રસિંહ રાજસ્થાનથી દારૂ લાવીને ચાંદખેડા અને આસપાસના વિસ્તારમાં દારૂનું વેચાણ કરતો હતો.અન્ય બનાવમાં સોલા ગોતા બ્રીજ પાસે આવેલા ગાઠીયા રથ પાસે ગત રાત્રીએ ચાર શખ્સો દારૂ પીને ધમાલ કરવાની સાથે દાદાગીરી કરી રહ્યા હતા. જે મેસેજના આધારે પોલીસે સ્થળ પરથી ભુપેશ ગુર્જર (રહે. અમરાઇવાડી), યોગેન્દ્રસિંહ યાદવ (રહે. અમરાઇવાડી), રોહનદીપસિંગ મુલતાની (રહે. ચામુંડાનગર) અને પ્રતાપસિંહ રાજપુત (રહે. વસ્ત્રાલ)ને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.