મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ પ્રોજેક્ટ ફાઈનાન્સ ધોરણોને હળવા કર્યા છે, કન્સ્ટ્રકશન દરમિયાનની જોગવાઈ પાંચ ટકાથી ઘટાડીને એક ટકા કરી છે : નવા નિયમો ૧લી ઓકટોબરથી અમલી બનશે : સુધારેલા ધોરણોનો હેતુ ઈન્ફ્રાસ્ટ્રકચર ધિરાણ વૃદ્વિને ટેકો આપતી વખતે જોખમને સંતુલિત કરવાનો છે
બેંકિંગ ક્ષેત્રને નોંધપાત્ર રાહત આપતાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ કન્સ્ટ્રકશન તબક્કામાં પ્રોજેક્ટ ફાઈનાન્સ માટે જોગવાઈની જરૂરીયાત પાંચ ટકાના અગાઉના પ્રસ્તાવથી ઘટાડીને એક ટકા કરી છે. આ સંબંધિત જારી કરાયેલી એક અંતિમ માર્ગદર્શિકામાં, બેંકિંગ નિયમનકારે કમર્શિયલ રિયલ એસ્ટેટના કન્સ્ટ્રકશનના તબક્કામાં જોગવાઈની જરૂરીયાતમાં ૨૫ બેઝિઝ પોઈન્ટનો વધારો કર્યો છે.
એટલે કે, ધિરાણકર્તાએ કમર્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટનના કન્સ્ટ્રકશન તબક્કામાં ૧.૨૫ ટકા (અગાઉ એક ટકા) અને વ્યાજ તેમ જ મુદ્દલની ચૂકવણી શરૂ થયા પછી-ઓપરેેશનલ તબક્કામાં એક ટકા (૦.૭૫ ટકા અગાઉ)ની સામાન્ય જોગવાઈ જાળવી રાખવી પડશે.કમર્શિયલ રિયલ એસ્ટેટ-રહેણાંક આવાસ પ્રોજેક્ટના કિસ્સામાં, જોગવાઈની જરૂરીયાત એક ટકા કન્સ્ટ્રકશન અને ઓપરેશનલ તબક્કા માટે ૦.૭૫ ટકા રહેેશે.
બાકીના તમામ માટે, કન્સ્ટ્રકશન તબક્કા દરમિયાન એક ટકા અને કાર્યકારી તબક્કા માટે ૦.૪૦ ટકાની જોગવાઈ જાળવી રાખવી પડશે. માર્ગદર્શિકા ૧,ઓકટોબરથી અમલમાં આવશે. કન્સ્ટ્રકશન હેઠળના પ્રોજેક્ટોમાં જ્યાં ધિરાણકર્તાઓનું કુલ રોકાણ રૂ.૧૫૦૦ કરોડ સુધીનું હોય, ત્યાં કોઈપણ વ્યક્તિગત ધિરાણકર્તા પાસે કુલ રોકાણના ૧૦ ટકા કરતાં ઓછું રોકાણ હોવું જોઈએ નહીં, એમ આરબીઆઈએ જણાવ્યું છે.
જેે પ્રોજેક્ટોમાં બધા ધિરાણકર્તાઓનું કુલ રોકાણ રૂ.૧૫૦૦ કરોડથી વધુ હોય, ત્યાં વ્યક્તિગત ધિરાણકર્તા માટે રોકાણનું સ્તર પાંચ ટકા અથવા રૂ.૧૫૦ કરોડ, જે પણ વધારે હોય તે રહેશે. જોગવાઈમાં વધારાથી બેંકરોને રાહત થઈ છે. આ અનિશ્ચિતતાનો અંત આવ્યો હોવાનું એક વરિષ્ઠ બેંકરે જણાવ્યું હતું. જો કે જોગવાઈ અને ધિરાણ ખર્ચમાં નજીવો વધારો થઈ શકે છે.