વડોદરાઃ ગુજરાતમાં ત્રણ જિલ્લાઓ ભાવનગર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ૪૨૦૦૦ હેકટર જેટલી જમીનની ફળદ્રુપતા છેલ્લા કેટલાક વર્ષોમાં સતત ઓછી થઈ રહી છે.આ જમીનની ગુણવત્તા સુધારવા માટે પ્રયાસો શરુ કરાયા છે.જેમાં એમ.એસ.યુનિવર્સિટીને પણ સામેલ કરવામાં આવી છે.
ભારત અને જર્મની દ્વારા દેશમાં ગુજરાત, ઉત્તરાખંડ, દિલ્હી-એનસીઆર અને મહારાષ્ટ્ર એમ ચાર રાજ્યોમાં જમીન સુધારણા માટેનો એક સંયુક્ત પ્રોજેકટ હાથ ધરાયો છે.આજે આ સંદર્ભમાં એમ.એસ.યુનિવર્સિટીના અટલ બિહારી વાજપેઈ ઈન્સ્ટિટયુટ ઓફ પોલિસી રિસર્ચના ઉપક્રમે એક સેમિનારનું આયોજન કરાયું હતું.એ પછી પ્રોજેકટમાં એમ.એસ.યુનિવર્સિટીને જોડવા માટે એક એમઓયુ પણ કરાયું હતું.
સેમિનારમાં થયેલી ચર્ચા પ્રમાણે ઉપરોક્ત ત્રણે જિલ્લામાં દરિયાની ખારાશ, આગળ વધતું રણ, ઉંડા થતા ભૂગર્ભ જળ, ક્લાઈમેટ ચેન્જ( જેમ કે વધારે પડતા વરસાદ કે ફ્લેશ ફલડના કારણે જમીનના ફળદ્રુપ તત્વોનું ધોવાણ) જેવા પરિબળોના કારણે જમીનને સતત નુકસાન થઈ રહ્યું છે. પ્રોજેકટના ભાગરુપે ત્રણે જિલ્લાના ૭૫ ગામડાઓમાં ૨૦૨૯ સુધીમાં જમીનની ગુણવત્તા કેવી રીતે સુધરે, આ માટે કયા પ્રકારના પ્રયાસો હાથ ધરી શકાય તેની જાણકારી લોકોને આપવામાં આવશે.આ અભિયાનમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જોડાશે.તેઓ ગામડાઓમાં જઈને ડેટા પણ એકઠો કરશે. લોકોને જમીન સુધારણા અભિયાનમાં જોડાવા માટે સમજાવશે.
જમીનની ગુણવત્તા સુધારવા કયા ઉપાયો કરાશે
નેચરલ ફાર્મિંગ પર ભાર મૂકવો અને તે માટે ખેડૂતોને તાલીમ આપવી
એગ્રો ફોરેસ્ટ
ખેડૂત મંડળીઓને જાગૃત કરવી
કોમન જમીન પર ચેક ડેમ બનાવવા
જમીનમાં પ્રસરતી ખારાશને અટકાવવા રિવર્સ ચેક ડેમ બનાવવા
કઈ સંસ્થાઓ પ્રોજેકટમાં સામેલ
જર્મનીની સંસ્થા ગેઈઝ
ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર,
ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા,
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન
ગુજરાતમાં રાજ્યનો જંગલ વિભાગ સામેલ છે.
એમ.એસ.યુનિવર્સિટી વતી અટલ બિહારી વાજપેઈ ઈન્સ્ટિટયુટ ઓફ પોલિસી રિસર્ચ
ગુજરાતમાં ૧૦ ટકા જમીન જ ફોરેસ્ટ વિભાગ પાસે
સેમિનારમાં પડતર જમીનો પર વૃક્ષો ઉછેરવા પર પણ ભાર મૂકાયો હતો.ખાસ કરીને રેલવે ટ્રેકની બંને તરફની જમીન પર વૃક્ષો જરુરી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.ગુજરાતમાં ૧૦ ટકા જમીન જ જંગલ વિભાગ પાસે છે અને બાકીની જમીન અન્ય લોકો અને સંસ્થાઓની માલિકીની છે ત્યારે જમીન સુધારણાનું કામ પડકારજનક પણ છે.