– ટીઆરબી જવાનોના બદલે હોમગાર્ડને ફરજ સોંપવા માંગણી
– રોડની બન્ને સાઈડ લારી-ગલ્લાના દબાણો અને આડેધડ પાર્કિંગ પણ ટ્રાફિકજામનું કારણ, કાયમી નિવેડો લાવવો જરૂરી
પાલિતાણા : જૈનતીર્થ નગરી પાલિતાણામાં ટ્રાફિકની કાયમી સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે. જેના કારણે છાશવારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
પાલિતાણાના ભૈરવનાથ ચોક, આંબેડકર સર્કલ પાસે અવાર-નવાર ટ્રાફિકજામ થાય છે. અહીં ટ્રાફિક નિયમન માટે ટીઆરબી જવાનોનો પોઈન્ટ મુકવામાં આવ્યો હોવા છતાં ટ્રાફિકની સમસ્યા હલ થતી નથી. ઓવનબ્રીજ ઉપર બન્ને સાઈડ લારીવાળા તેમજ અન્ય માર્ગો પર લારી-ગલ્લાના દબાણોના કારણે ટ્રાફિકજામ થાય છે, જેથી લારી-ગલ્લાવાળાઓને અન્યત્ર જગ્યાએ ખસેડવા જરૂરી બની ગયા છે. માર્ગો પર ફોરવ્હીલ, ટેમ્પા, માલવાહન વાહનો ગમે ત્યાં ઉભા રાખી દેવામાં આવે છે. તેમ છતાં પોલીસ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. આવા સંજોગોમાં ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને કાયમી મુક્તિ આપવા ટીઆરબી જવાનોના બદલે હોમગાર્ડને ફરજ સોંપવામાં આવે તેમજ ટ્રાફિક નિયમનો ભંગ કરતા લોકો સામે કાયદાકીય પગલા ભરવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠી છે.