– ભાવનગરની 100 હેકટર જમીન પર ખીલે છે કમલમ
– તળાજા, મહુવા, ઘોઘા, ભાવનગર, સિહોર, ગારિયાધારના ખેડુતો બાગાયત ખેતી તરફ વળ્યા
ભાવનગર : બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૧૭-૧૮થી જિલ્લાનાં ખેડુતોને ડ્રેગન ફ્રુટની તાલીમ આપી ખેતી માટે પ્રોત્સાહિત કરાયા હતા. જો કે ૮ વર્ષથી શરૂ થયેલ ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન હાલ ૨.૫૦ લાખ કિ.ગ્રા.એ પહોંચ્યું છે. જે આબોહવા અને પાણી માફક આવતા પરીણામ લક્ષી કામગીરીનો નમુનો છે.
ભાવનગર જિલ્લામાં સામાન્ય રીતે ખેડૂતો જણસીમાં કપાસ, મગફળી, અને ડુંગળી પર વિશેષ મદાર રાખતા હોય છે. જ્યારે બાગાયતી પાકોમાં લીંબુ, ચીકુ અને કેરી વિશેષ હોય છે. છેલ્લા થોડા વર્ષથી ચાઈનાનું ફળ ગણાતુ ડ્રેગન (કમલમ) માટે ભાવનગરની જમીન માફક આવતા બાગાયતી વિભાગ દ્વારા ડ્રેગન ફ્રુટના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરાયા હતા અને તાલીમ પણ આપવામાં આવી હતી. આ ખેતીમાં નવા વાવેતરમાં ત્રીજા વર્ષથી ૯ થી ૧૦ કિલો અને ચોથા વર્ષથી એક થાંભલી પર ૧૫ થી ૨૦ કિલો ઉત્પાદન મેળવી શકાય છે. જેના વાતાવરણમાં તડકો વધુ અનુકૂળ રહે છે. આ ખેત ઉત્પાદન માટે સરકારે ૬ લાખ યુનિટ કોષ્ટ સામે ત્રણ લાખ પ્રતી હેકટર સહાય આપવામાં આવે છે અને પ્રત્યેક હેકટરે ૧૮થી ૨૫ હજારની ઉપજનો અંદાજ છે. જે જોતા ભાવનગર જિલ્લાનાં તળાજામાં ૩૦ હેકટર, ભાવનગરમાં ૨૫ હેકટર, મહુવામાં ૧૦ હેકટર, ઘોઘામાં ૬ હેકટર, સિહોરમાં ચાર હેકટર, ગારિયાધારમાં બે હેકટર એમ કુલ મળી ૧૦૦ હેકટરમાં વાવેતર થતું હોવાનું જણાયું છે. જેથી આ ઉત્પાદન હાલ ૨.૫૦ લાખ કિ.ગ્રા. સુધી પહોંચ્યું છે જે ઉત્તરભારત, અમદાવાદ, વડોદરા, સુરત એમ ગુજરાતમાં તેનું વેચાણ સમાય જાય છે.
શરીરના વિટામીન્સ અને લોહિશુદ્ધિ માટે અસરકારક
દરેક ફ્રુટ પોતાની વિશેષતા ધરાવે છે અને પોષક તત્ત્વો અલગ તારવે છે. ડ્રેગન ફ્રુટ ખાસ કરીને બી.ટ્વેલ, હિમોગ્લીબીન, આર્યન, વિટામીન, મીનરલ સાથે લોહી શુદ્ધિકરણ માટે પણ ઉપયોગી સાબબિત થયું છે. આમ આ ડ્રેગન ફ્રુટ સ્થાનિક કક્ષાએ ઉત્પાદન થતા તેની કિંમતમાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.