વડોદરા, તા.2 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ૧૨ ઓવરબ્રિજ પર રોડ રિકાર્પેટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. રોડ સારા હોવા છતાં પણ રિકાર્પેટિંગ નામે ખોટો ખર્ચ થાય છે, તે રોકવા માગ કરાઈ છે.
મ્યુનિ. કમિશનરને કોર્પો.માં વિપક્ષના પૂર્વ મેતાએ લેખિત રજૂઆત કરીને કહ્યું છે આ કામગીરીમાં ૩૧ કરોડનો જે ખર્ચ થાય છે, તે અપરાધિક બરબાદી છે. તેમણે જણાવ્યું હતું કે, સલાહકારનો રિપોર્ટ જાણીબુઝીને જાહેર કરાતો નથી, પરંતુ તેમણે અમુક બ્રિજની અમુક જગ્યાએ રિપેર કરવાનું જ કહ્યું છે.
સલાહકારનો રિપોર્ટ જાહેર કરવા તેમણે માગ કરી છે. જે બાર બ્રિજનું રિકાર્પેટિંગનું કામ હાથ પર લેવાયું છે, તેમાં બ્રિજ સારી હાલતમાં છે અને થોડાઘણા રિપેર કરવામાં આવે તો ચારપાંચ વર્ષ હજી કાંઈ થાય તેમ નથી, છતાં લોકોના નાણાનો દુરૃપયોગ થઈ રહ્યો છે. આ રીતે નાણા વેડફી દેવા પાછળ તેમણે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. રિકાર્પેટિંગની કામગીરી મુદ્દે તેમણે વિજિલન્સ તપાસ માગી છે, અને તેનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી કામગીરી અને પેમેન્ટ થંભાવી દેવા કહ્યું છે. જો કામગીરી રોકવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા તેમણે ચીમકી ઉચ્ચારી છે, આ મુદ્દે તેમણે સરકારમાં પણ રજૂઆત કરી છે.