વડોદરા શહેરમાં ફરજિયાત હેલ્મેટ મામલે આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવી સ્માર્ટ રસ્તાઓના અભાવ વચ્ચે નાણા ઉઘરાવવાનું ષડયંત્ર હોવાના આક્ષેપ કરી શહેરની જનતાને હેલ્મેટમાંથી મુક્તિ આપવાની માંગ સાથે કલેકટરને લેખિત રજૂઆત કરી હતી.
ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે હેલ્મેટ ફરજિયાત બનાવવાનો કાયદો કડક રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે. વડોદરામાં પણ પોલીસે આ કાયદાનો સખત અમલ કરાવતા વાહન ચાલકો સાથે ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તો બીજીતરફ ફરજિયાત હેલ્મેટની અમલવારી મામલે રાજકારણ પણ ગરમાયું છે. આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આપ કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં પોલીસે ભાજપના નેતાઓને દંડ કરવાનું ટાળ્યું હોવાનો પણ આરોપ થયો હતો. ભાજપની બાઈક રેલીમાં 50થી વધુ બાઈક પર હેલ્મેટ પહેર્યા ન હોય પ્રજા માટે મજબૂત દંડો તો નેતાઓ માટે નરમ વલણ કેમ? તેવો સવાલ કર્યો હતો.