– વીમા કંપનીના અધિકારીએ દંપતિ વિરૂદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
– રૂા. 24 લાખનો ક્લેઈમ મેળવવા દંપતીએ ષડયંત્ર રચ્યું, વીમા કંપનીના વેરીફિકેશનમાં પર્દાફાશ થયો
ભાવનગર : ભાવનગરમાં વિમાની રકમ મેળવવા માટે પતિ-પત્નિએ ગુનાહિત કાવતરું રચી પતિ મૃત હોવાના ખોટા દસ્તાવેજ સાથે વિમા કંપનીમાં ક્લેઈમ કરી વીમા કંપની સાથે આથક છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ વીમા કંપનીના વેરિફિકેશનમાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. આ પ્રકરણમાં ગંગાજળિયા પોલીસે દંપતી સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.
સ્ટાર યુનિયન લાઇફ ઈન્શ્યોરન્સ કંપનીની ઓનલાઇ વેબસાઇટ પર મુબારક પીરાભાઇ સામા (રહે. કુરેશી મંજિલ જોગીવાડની ટાંકી રૂવાપરી રોડ)એ લાઇફ સરલ વીમા પોલિસી રૂ.૨૪,૦૦,૦૦૦ મેળવવા માટે વેબસાઇટ પર અરજી કરી હતી. તેની સાથે તમામ ડોક્યુમેન્ટ સબમિટ કરી ઓનલાઇન પ્રીમિયમના રૂપિયા પણ ભરી દીધા હતા અને મુબારકની પત્ની સાહિનબેને પતિનું મૃત્યુ થયું હોવાના પ્રમાણ રજૂ કરી વીમા કંપની પાસે ક્લેમ કર્યો હતો. પરંતુ વીમા કંપનીના અધિકારીઓ દ્વારા વેરીફીકેશન કરવામાં આવ્યું ત્યારે આખાય તરકટ પરથી પરદો ઉંચકાયો હતો અને વીમા કંપનીના અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. મુબારક જીવીત હોવા છતાં ખોટા દસ્તાવેજો રજૂ કરી દંપતીએ વિમાની રકમ મેળવવા માટે આખુંય ષડ્યંત્ર રચ્યું હોવાનો પર્દાફાશ થતા દંપતી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં ગંગાજળિયા પોલીસે મુબારકભાઇ પીરભાઇ સમા (ઉ.વ.૪૮) તેના પત્ની શાહીનબેન (ઉ.વ.૪૪) અને આ ષડયંત્રમાં મદદ કરનાર વિશાલ અશોકભાઇ પરમાર, જાકીરહુસેન મહંમદહુસેન કુરેશીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.