Vadodara ATM Theft : વડોદરાના ખોડીયાર નગરમાં મુખીનગર ત્રણ રસ્તા પાસે આવેલા સ્ટેટ બેંકના એટીએમને ગેસ કટરથી કાપીને ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ થતાં ઉસ્કેરાયેલા ચોરે એટીએમ કેબીનમાં તોડફોડ કરી હતી.
સ્ટેટ બેંક, સેન્ટ્રલ બેન્ક અને યુનિયન બેન્કના વડોદરામાં આવેલા એટીએમ મશીનના મેન્ટેનન્સનો કોન્ટેક્ટ ધરાવતી ટ્રાન્ઝેક્શન સોલ્યુશન ઇન્ટરનેશનલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર મનોજસિંહ મુન્નાસિંહ ભદોરીયાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી કંપનીના સીસીટીવી સર્વેન્સ કરતા રણજીતભાઈએ મને મોડી રાત્રે ત્રણ વાગે કોલ કરીને કહ્યું કે મુખીનગર પાસેના એટીએમ સેન્ટરમાં ચોર ગેસનો સિલિન્ડર લઈને ઘુસીયો છે. જેથી મેં કંટ્રોલ રૂમમાં આ અંગે જાણ કરી બનાવ સ્થળ પર જોવા ગયો હતો. દરમિયાન પોલીસ જવાનો આવી ગયા હતા અને એક ચોર જેનું નામ રાજેન્દ્ર જયંતીભાઈ બારીયા (રહે-રણછોડ નગર આજવા રોડ)ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી ગેસ સિલિન્ડર બોટલ તથા ઓક્સિજન બોટલ મળી આવ્યો હતો. આરોપીએ એટીએમમાં ઘૂસી સીસીટીવી કેમેરા નુકસાન કર્યું હતું તેમજ એટીએમના ઉપરની પ્લાસ્ટિકના ડોરની બોડી કાપી નાખી અંદરની લોખંડની બોડી કાપવા જતો હતો તે દરમિયાન જ પોલીસ આવી જતા તેને ઝડપી લીધો હતો.