Jamnagar Vyajkhor Crime : જામનગરમાં ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા અને દરજી કામ કરતા હર્ષદ બીપીનભાઈ ચુડાસમા નામના 41 વર્ષના યુવાને પોતાને ગેરકાયદે નાણાં ધીરધાર કર્યા પછી રાક્ષસી વ્યાજ વસૂલવા માટે પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપવા અંગે જામનગરના નહેરના કાંઠા વિસ્તારમાં રહેતા મોહિત સુભાષભાઈ નંદા સામે સીટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી બે મહિના પહેલાં ફરિયાદીએ આરોપી પાસેથી બે કટકે 20,000 રૂપિયા માસિક 20 ટકાના વ્યાજે લીધા હતા, જેની સિક્યુરિટી પેટે બે કોરા ચેક આપ્યા હતા.
દરમિયાન આરોપીને બે મહિનાનું 20 ટકા લેખે 8,000 રૂપિયા વ્યાજ અને મુદ્દલ સહિત કુલ 28,000ની રકમ ચૂકવી દીધી હતી, તેમ છતાં આરોપી વધુ 8,000 રૂપિયાની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરતો હતો
જેથી આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે તેની સામે ગેરકાયદે નાણા ધીરધાર કરવા સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.