મૂળ જામનગરના હાલ સુરત ખાતે રહેતા એકાઉન્ટન્ટે કાર વેચી, પત્નીના કરિયાવરના દાગીના વેચી, પર્સનલ લોન લઈ અને F.D. તોડીને વિશાલ પટેલને પૈસા આપ્યા હતા
સુરત/રાજકોટ સુરતના કામરેજ જોખા રોડ ખાતે રહેતા મૂળ જામનગરના એકાઉન્ટન્ટ યુવાન અને તેની પત્નીને યુ.કે.ના વિઝા અપાવવાના બહાને હાલ યુ.કે. માં રહેતા યુવાને રૂ.19.83 લાખ પડાવી વિઝાનું કામ નહીં કરી પૈસા પણ પરત નહીં કરતા એકાઉન્ટન્ટે સુરતના સરથાણા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
જામનગર જામજોધપુરના સેઠવડાળા ગામના વતની અને સુરતમાં કામરેજ વાવથી જોખા રોડ શ્રીશુભ રેસિડન્સી ઘર નં. 157 માં રહેતા 33 વર્ષીય હાર્દિકભાઈ રમેશભાઈ ડઢાણીયા કતારગામ શક્તિ નિવાસ પાંચમા માળે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે.જયારે તેમના પત્ની પાર્મિકાબેન યોગીચોક ગેલેરીયા-2 શોપીંગ સ્થિત એક દુકાનમાં નોકરી કરે છે.હાર્દિકભાઈ અને તેમના પત્નીને યુ.કે. સ્થાયી થવું હોય તેઓ ઓનલાઇન તપાસ કરી જુલાઈ 2023 માં સરથાણા રાઇઝોન પ્લાઝા ઓફિસ નં.229 માં કેશવ ઈમિગ્રેશન નામથી ઈમીગ્રેશન અને ફોરેન વિઝા પ્રોસેસીંગનુ કામ કરતા અક્ષય પટેલને મળ્યા હતા.તેણે બંનેના ડોક્યુમેન્ટ તપાસી પણ દરેક પ્રકારની સ્કીલમાં 4 થી વધુ પોઇન્ટ હોય અને ઓવરઓલ 5 થી વધુ હોય તો જ વિઝા માટે યોગ્યતા ગણાય તે વાત છુપાવીને તેમને તમામ કામ પુરુ કરી આપવાની તથા કમિશન તેમજ ખર્ચ પેટે 23,000 પાઉન્ડ એટલે રૂ. 24.15 લાખનો ખર્ચ થશે કહીને પોતાના મોબાઈલ ફોનથી યુ.કે માં રહેતા તેના પિતરાઈ ભાઈ વિશાલ પટેલ સાથે વાત પણ કરાવી હતી.
પણ રકમ વધુ હોવાથી હાર્દિકભાઇને પ્રોસેસની ના પાડી તેના થોડા દિવસ બાદ વિશાલ પટેલે વ્હોટ્સએપ કોલ કરીને 20,500 પાઉન્ડ એટલે કે રૂ. 21.50લાખમાં કામ કરી આપવા ખાતરી આપી અને અક્ષય પટેલને વાત ન કરવા કહ્યું હતું. જેથી હાર્દિકભાઈએ કાર વેચી, પત્નીના કરિયાવરના દાગીના વેચી, પર્સનલ લોન લઈ અને એફ.ડી. તોડીને તેને રૂ. 18,12,200 સુરતમાં તેના માણસને આપ્યા હતા.જ યારે અન્ય ખર્ચના રૂ. 2,04,835 યુ.કે.સરકારની વેબસાઇટમાં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.તે રકમ બાદમાં તેમને પરત થઈ હતી. જોકે, જાન્યુઆરી 2024 માં તેમને યુ.કે. જવાની ફાઇલ રીજેકટ થતા વિશાલ પટેલને ફોન કરી કારણ પુછયું તો રીડીંગમાં ઓછો બેન્ડ છે કહી ફરી પરીક્ષા આપવા કહ્યું હતું.ફરીથી પરીક્ષા આપતા તેમાં ઓવરઓલ 5 બેન્ડ આવ્યો હતો છતાં ફાઈલ રીવ્યુ માટે રીજકેટ થઇ હતી. તે અરસામાં વિશાલે એક વ્યક્તિ મારફતે રૂ. 1,90,291 પરત કર્યા હતા.પણ બાદમાં રૂ. 19,83,070 પરત કર્યા નહી અને વિઝાનુ ંકામ નહી કરતા સરથાણા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવાઇ છે.