સૌરાષ્ટ્રમાં જુદા જુદા કારણોસર અપમૃત્યુના 6 બનાવ : કલ્યાણપુર નજીક બે સગાભાઈના બાઈકને કારે ટક્કર મારી દેતા એકનું મોત બીજો ગંભીર, મેઘપરના ટીટોળી ગામે નદીમાં ડૂબી જતાં યુવાને જીવ ગુમાવ્યો
રાજકોટ, : આજે સૌરાષ્ટ્રમાં કાળચક્ર ફરી વળ્યું હોય એમ જુદા જુદા અપમૃત્યુના છ બનાવોમાં છ વ્યકિતઓના મૃત્યુ નીપજયાં છે. ખાસ બનાવમાં વાંકાનેરના માટેલ રોડ પર એક પરપ્રાંતીય શ્રમિક યુવાને અગમ્ય કારણોસર પોતાના જ ગળાપર કાતર ફેરવી દેતાં મોત નીપજ્યું છે.
બનાવની વધુ વિગતમાં ઓરિસ્સાના વતની ચંદ્રમણીભાઈ દેબેનભાઈ બીરૂવા નામના યુવાને પોતાના ઘરે જ ગળાના ભાગે જાતે જ કાતર ફેરવી દીધી હતી. જેને સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.આ જિલ્લામાં બીજા બનાવમાં મોરબીના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા દીલીપકુમાર નારણભાઈ ચુડાસમા મોરબીના મચ્છુ ડેમમાં ફુલ પધરાવવા ગયેલા હતા એ વખતે અકસ્માતે પડી જતાં મૃત્યુ નીપજ્યું હતું.
જામનગર તાલુકાના ધૂતારપર ગામે રહેતા લક્ષ્મીબેન ઉર્ફે લખીબેન છગનભાઈ રાઠોડ નામની ચાલીસ વર્ષીય શ્રમિક યુવતીએ ઝેરી દવા પી લેતા એને તાકિદે હોસ્પિટલમાં ખસેડી હતી પણ સારવારમાં મોત નીપજ્યું હતું . આ પરિણીતાને માવતર આંટો દેવા જવું હતું. પણ પતિએ ના પાડતા માઠું લાગી જતાં અંતિમ પગલું ભરી લીધું હતું. જામનગર જિલ્લાના ધ્રાફા ગામે રહેતા પૂજાબેન નિશાલભાઈ ઉર્ફે રાહુલભાઈ રામજીભાઈ સીતાપરા નામની પરિણીતાએ અગમ્ય કારણોસર પંખાના હૂકમાં સાડીનો છેડો ભરાવી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે એના પતિએ પોલીસમાં જાણ કરી હતી કે તેઓ રાતે જમીને સૂઈ ગયા હતા. દરમિયાન પોતે વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠતાં તેની પત્ની પંખાના હૂકમાં સાડી ભરાવીને ગળાફાંસો ખાઈ લટકી રહેલી જોવા મળી હતી. આ બાબતે પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
કલ્યાણપુર તાલુકાના જોધપર ઉપાધ્યાય ગામે રહેતા અનિલભાઈ શામજીભાઈ સોનગરા અને તેના મોટા ભાઈ રોહીતભાઈ સોનગરા બાઈક પર બેસીને કુરંગા ફેકટરીમાં કામે જઈ રહ્યા હતા. એ વખતે નાવદ્રા ગામ પાસે સામે આવતી કારે બાઈકને ટકકર મારી દેતાં રોહિતભાઈને ગંભીર ઈજાઓ થતાં સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવમાં અનિલભાઈને પણ ગંભીર ઈજા થઈ હતી. કલ્યાણપુર નજીક ટીટોળી ગામે રહેતા હમીરભાઈ બાવાભાઈ પરમાર કુંતી નદીના પાણીમાં ડૂબી જતાં મોત નીપજવાનો બનાવ બન્યો છે.