મુંબઈ: મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઝડપી ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર ભાવમાં ખાસ્સી તેજી બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારમાં તેજી આગળ વધી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં સોનાના ભાુવ વધી ઔંશના ૩૩૦૦ ડોલર પાર કરી ગયા હતા.
દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ઝડપી રૂ.૧૮૦૦ વધી રૂ.૯૮ હજાર પાર કરી ગયા હતા તથા ભાવ વધી ૯૯૫ના રૂ.૯૮૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૫૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ રૂ.૧૫૦૦ વધી રૂ.૯૮ હજારને આંબી ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ૩૩૪૫ ડોલર રહ્યાના સમાચાર હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૩૩.૨૦ ડોલર રહ્યા હતા.
ડોલરના ભાવ રૂ.૮૫.૬૪ વાળા આજે સવારે રૂ.૮૫.૬૫ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૫.૫૩ થયા પછી ઉંચામાં ભાવ રૂ.૮૫.૭૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૫.૬૮ રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે તૂટી ૧૦૦ની સપાટીની અંદર ઉતરી ૯૯.૭૦ રહ્યો હતો.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ૧૦૬૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ વધી ૧૦૨૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે એક ટકાથી વધુ ઉંચકાયા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં બ્રેન્ટક્રૂડ તેલના ભાવ બેરલના વધી ૬૬.૬૩ થઈ ૬૬.૧૭ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૪.૧૦ થઈ ૬૨.૮૬ ડોલર રહ્યા ઈરાનની નય્ ક્લીયર ઉત્પાદનની સવલતો પર ઈઝરાયલ દ્વારા હુમલાઓ કરાશે એવા ક્કેતો વહેતાં થતાં વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં તેજી આવ્યાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૩૪૩૧ વાળા વધી રૂ.૯૫૦૭૦ થઈ છેલ્લે ભાવ રૂ.૯૪૯૨૭ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૩૮૦૭ વાળા રૂ.૯૫૪૫૨ થઈ રૂ.૯૫૩૦૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ. ૯૫૮૦૦ વાળા રૂ.૯૭૪૭૫ થઈ છેલ્લે ભાવ રૂ.૯૭૩૩૨ રહ્યા હતા.