– બાવળામાં 108 એમ્બ્યુલન્સમાં જટિલ પ્રસૂતિ
– સામાન્ય રીતે આવા કેસમાં સિઝેરિયનની જરૂર પડે છે, પરંતુ ટીમની સમયસૂચકતાથી માતા અને બાળક બંનેનો જીવ બચી ગયા
બગોદરા : બગોદરામાં તૈનાત ૧૦૮ની ટીમે આજે એક જટિલ પ્રસૂતિ કેસમાં સફળતા મેળવી છે. બાવળા તાલુકાના ગાંગડ ગામની મહિલા ટીકુબેનને પ્રસૂતિનો દુઃખાવો ઉપડતા ૧૦૮ને કોલ કરતા બગોદરા ૧૦૮ની ટીમ સ્થળ પર પહોંચી હતી. સગર્ભાને તપાસ કરતા પ્રસૂતિનો દુઃખાવો અસહ્ય હોવાથી રસ્તામાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી.
સોનોગ્રાફી રિપોર્ટમાં બાળકના ગળામાં નાડ વીંટળાઈ ગયેલી હતી. ત્યારે એ.આર.સી.પી ડોક્ટરની મદદ લઈ ઇએમટી છગનભાઈ ઠાકોરઅને પાઇલોટ દિલીપસિંહ ઝાલાએ એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવી હતી. માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. ત્યાબાદ માતા અને બાળકને વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ બગોદરા લઇ જવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આવા કેસમાં સિઝેરિયનની જરૂર પડે છે, પરંતુ ટીમની સમયસૂચકતાથી માતા અને બાળક બંનેનો જીવ બચી ગયો. પરિવારજનોએ ૧૦૮ની ટીમ અને સરકારનો આભાર માન્યો છે. આ ઘટના ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની કાર્યક્ષમતા અને તેના તાલીમબદ્ધ સ્ટાફની કુશળતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.