– વડાપ્રધાન મોદી મિઝોરમ, મણિપુર, આસામના પ્રવાસે
– મૈતેઈ-કુકી સમુદાયો સદ્ભાવનાનો સેતુ બનાવે: વડાપ્રધાન
ચુરાચાંદપુર/ઈમ્ફાલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મે ૨૦૨૩માં મણિપુરમાં હિંસા શરૂ થઈ હતી તે ચુરાચાંદપુરમાં શનિવારે પહોંચ્યા હતા. તેમણે અઢી વર્ષથી હિંસાગ્રસ્ત મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયોને શાંતિ અને સામંજસ્યનો રસ્તો અપનાવવા ભાવુક અપીલ કરી હતી. તેમણે હિંસાગ્રસ્ત મણિપુરને શાંતિ, સમૃદ્ધિનું પ્રતીક બનાવવા હાકલ કરી હતી અને કહ્યું કે, કેન્દ્ર સરકાર મણિપુરના લોકો સાથે મજબૂતીથી ઊભી છે. આ સાથે પીએમ મોદીએ મિઝોરમ અને મણિપુરને કરોડો રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપી હતી.
મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે મે ૨૦૨૩થી ચાલતી હિંસા વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી પહેલી વખત શનિવારે મણિપુર પહોંચ્યા હતા. તેમણે ચુરાચાંદપુરમાં એક કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું, મણિપુરમાં કોઈપણ પ્રકારની હિંસા દુર્ભાગ્યપૂર્ણ છે. આ હિંસા આપણા પૂર્વજો અને ભાવી પેઢીઓ સાથે ભારે અન્યાય છે. તેથી આપણે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગ પર આગળ લઈ જવાનું છે. મણિપુરની આ ધરતી ઉત્સાહ અને હિંમતની ધરતી છે. આ પર્વતો અને ખીણ પ્રકૃતિના અનમોલ ઉપહાર છે. સાથે જ આ પર્વતો આપ બધા લોકોની નિરંતર મહેતનું પણ પ્રતિક છે.
મણિપુર હાઈકોર્ટે મે ૨૦૨૩માં તત્કાલીન બીરેન સિંહ સરકારને મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ યાદીમાં સામેલ કરવા પર વિચાર કરવા નિર્દેશ અપાયો હતો, જેનો કુકી-જો સમુદાયે વિરોધ કરતા ચુરાચાંદપુરમાં રેલી કાઢી હતી. ત્યાર પછી રાજ્યમાં હિંસા ફેલાઈ હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં ૨૬૦થી વધુ લોકોનાં મોત થયા અને હજારો લોકો વિસ્થાપિત થઈ ગયા.
પીએમ મોદીએ શનિવારે ભારે વરસાદ વચ્ચે મિઝોરમથી રોડ માર્ગે કુકી બહુમતીવાળા ચુરાચાંદપુર અને મૈતેઈ બહુમતીવાળી ઈમ્ફાલ ખીણની મુલાકાત લીધી હતી. પીએમ મોદી બંને જગ્યા પર વિસ્થાપિત પરિવારોને મળ્યા હતા. મણિપુરના પ્રવાસમાં પીએમ મોદીએ રૂ. ૭,૩૦૦ કરોડથી વધુ મૂલ્યના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ૨૦૧૪થી અત્યાર સુધીમાં રાજ્યમાં હાઈવે માટે રૂ. ૩,૭૦૦ કરોડનો ખર્ચ કર્યો છે અને નવા હાઈવે પાછળ વધુ રૂ. ૮,૭૦૦ કરોડનો ખર્ચ કરશે. મણિપુરમાં હિંસાગ્રસ્ત લોકોને નવા આવાસના બાંધકામ માટે કેન્દ્ર સરકારે રૂ. ૭,૦૦૦ કરોડની ફાળવણી મંજૂર કરી છે. ઉપરાંત રૂ. ૩,૦૦૦ કરોડનું વિશેષ પેકેજ જાહેર કર્યું છે.
આ પહેલાં મિઝોરમના ઐઝવાલમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વોટ બેન્કના રાજકારણના કારણે પૂર્વોત્તરના રાજ્યોએ ખૂબ જ સહન કરવું પડયું છે. તેમણે મિઝોરમની પહેલી રેલવે લાઈનનું ઉદ્ધાટન કર્યું હતું. રૂ. ૮,૦૭૦ કરોડની બૈરાબિ-સૈરંગ લાઈનનું અનાવરણ કર્યું હતું, જે દેશના રેલવે નેટવર્ક સાથે જોડાઈ છે. તેમણે કહ્યું મિઝોરમ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. તેમણે પાટનગર ઐઝવાલને દિલ્હી સાથે જોડતી પહેલી રાજધાની એક્સપ્રેસ વેને લીલીઝંડી બતાવી હતી.
મિઝોરમ અને મણિપુરના પ્રવાસ પછી પીએમ મોદી આસામના પાટનગર ગુવાહાટી પહોંચ્યા હતા, જ્યાં તેઓ ભારત રત્ન ભુપેન હઝારિકાના જન્મ શતાબ્દી સમારંભમાં હાજર રહ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ભુપેન હઝારિકા પર આધારિત પુસ્તકનું વિમોચન કર્યું અને ભુપેન હઝારિકાના સન્માનમાં ૧૦૦ રૂપિયાનો સ્મૃતિ સિક્કો જાહેર કર્યો હતો.