વડોદરાઃ જીપીએસસી દ્વારા મહેસૂલી તલાટીની આજે વડોદરા સહિત રાજ્યમાં પરીક્ષા લેવાઈ હતી.વડોદરામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂરી થઈ હતી.આજની પરીક્ષાનું પેપર એકંદરે સરળ હોવાથી પરીક્ષા આપનારા ઉમેદવારો ખુશ થઈને પરીક્ષા કેન્દ્રની બહાર નીકળ્યા હતા.
ગત સપ્તાહે લેવાયેલી ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષાનું પેપર અત્યંત લાંબુ હતું ત્યારે આજનું પેપર સરળ અને ત્રણ કલાકના નિયત સમયમાં પૂર્ણ થઈ જાય તેવું હતું.પેપર અંગે સ્પીપાના પૂર્વ ફેકલ્ટી રક્ષિત ઠક્કરે કહ્યું હતું કે, ૨૦૦ માર્કના પેપરમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીના ૨૬ માર્કસના, ભૂગોળના ૧૭ માર્કસના, રિઝનિંગના ૧૦ અને ગણિતના ૩૦ માર્કસના પ્રશ્નો પૂછાયા હતા.
જ્યારે ઈકોનોમિક્સને લગતા ૨૨ માર્કસના તેમજ સરકારની સુકન્યા સમૃધ્ધિ યોજા, પીએમ ઉજ્જવલા યોજના, માનવ ગરિમા યોજના, પીએમ કુસુમ યોજના અંગે ૩ માર્કસના પ્રશ્નોનો પેપરમાં સમાવેશ થતો હતો.બંધારણ અંગે ૧૨ માર્કસના, ઈતિહાસ અંગે ૧૦ માર્કસના, સાંસ્કૃતિક વારસા અંગે ૧૧માર્કસના, સાંપ્રત પ્રવાહ અંગે ૧૭ માર્કસના, અંગ્રેજીના ૨૦ માર્કસના અને ગુજરાતની ૨૨ માર્કસના પ્રશ્નો પૂછાયા હતા.પેપર એકંદરે સરળ હતું.
પરીક્ષા બાદ ઘરે પરત જવા એસટી ડેપો પર ભારે ભીડ
વડોદરામાં ૫૩૭૩૭ પૈકીના ૧૫૩૨૮ ઉમેદવારો પરીક્ષા આપવા ના આવ્યા
વડોદરામાં ૧૭૩ કેન્દ્રો પર મહેસૂલી તલાટીની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવી હતી.પરીક્ષા માટે નોંધાયેલા ૫૩૭૩૭ પૈકીના ૧૫૩૨૮ ઉમેદવારો પરીક્ષા આપવા નહોતા આવ્યા.ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર બપોરના ૧૨ વાગ્યાથી બાયો મેટ્રિક વેરિફિકેશન અને પૂરતું ચેકિંગ કરીને પ્રવેશ આપવાનું શરુ કરાયું હતું.એ પહેલા પરીક્ષા કેન્દ્રો પર સવારે નવ વાગ્યાથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.પરીક્ષાના પેપર પણ આકરી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કેન્દ્રો સુધી પહોંચાડાયા હતા.જોકે આજે રોજ કરતા વધારે ગરમી હતી અને પરીક્ષાર્થીઓની સાથે આવેલા તેમના વાલીઓને પરીક્ષા કેન્દ્રોની બહાર આકરી ગરમીમાં હેરાન થવાનો વારો આવ્યો હતો.પરીક્ષા પૂરી થયા બાદ એસટી ડેપો પર પણ ઘરે પરત ફરી રહેલા ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી હતી.