Bihar Nawada Minor Girl Sexual Assault Case: બિહારના નવાદામાં, એક સગીર છોકરી પર બળજબરીપૂર્વક દારૂ પિવડાવીને દુષ્કર્મ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેણે આખા રિસ્લીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં ખળભળાટ મચાવી દીધો છે.
આરોપીઓએ પીડિતાને બળજબરીથી દારૂ પિવડાવી દુષ્કર્મ આચર્યું
આ દુર્ઘટના દરમિયાન, તે છોકરી ચીસો પાડતી રહી અને પોતાને છોડી દેવા વિનંતી કરતી રહી, પરંતુ આરોપીઓ બળજબરીપૂર્વક તેના મોઢામાં બોટલ નાખીને તેને દારૂ પીવડાવ્યો. ત્યારબાદ ચાર લોકોએ વારાફરતી તેની સાથે દુષ્કર્મ કર્યું. જાણવા મળ્યું છે કે આ ઘટના કોઈ અજાણ્યા લોકોએ નહીં, પરંતુ પડોશના જ ચાર યુવકોએ કરી છે.
પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ
પીડિતાની માતા મુકુલ દેવીના જણાવ્યા મુજબ, ’13 વર્ષની પીડિતા પોતાની સહેલીઓ સાથે નદી કિનારે લાકડા વીણવા ગઈ હતી, જ્યાં ગામના કેટલાક લોકો પહેલેથી જ હાજર હતા. જ્યારે પીડિતાને તરસ લાગી ત્યારે તેણે પરિચિત બનેવી પાસેથી પાણી માંગ્યું. જોકે, તેણે પાણીને બદલે દેશી દારૂ આપ્યો. પીડિતાએ પીવાની ના પાડતા, આરોપીઓએ તેને બળજબરીથી દારૂ પિવડાવ્યો. ત્યારબાદ, ત્યાં હાજર ચાર લોકોએ વારાફરતી તેની સાથે દુષ્કર્મ આચર્યું.’
POCSO એક્ટ હેઠળ કેસ નોંધીને એક આરોપીને ઝડપી પડ્યો
પીડિતાની ચીસો સાંભળીને તેની સહેલીઓ મદદ માટે પહોંચી, પરંતુ ત્યાં સુધીમાં પીડિતા બેભાન થઈ ગઈ હતી અને બધા આરોપીઓ ભાગી ગયા હતા. સહેલીઓએ પીડિતાના પરિવારને આ ઘટનાની જાણ કરી. ત્યારબાદ પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
આ પણ વાંચો: વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, 3થી વધુ બિન મુસ્લિમ સભ્યો નહીં હોય, 5 વર્ષની જોગવાઈ રદ
પોલીસે POCSO (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) એક્ટ હેઠળ કેસ નોંધીને આ ગુનામાં સામેલ એક આરોપીને ચંડીપુર ગામમાંથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ યુવકનું નામ રેણુ માંઝી છે, જે 20 વર્ષનો છે અને શ્યામલાલ માંઝીનો પુત્ર છે. આ ઘટનામાં સામેલ અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ માટે પોલીસ દરોડા પાડી રહી છે.