(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
અમદાવાદ સહિત ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાં સ્થાપવામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં પ્લોટ ખરીદનારાઓ પાસેથી જીઆઈડીસીએ નક્કી કરી આપેલી પ્લોટની કિંમત ઉપરાંત ચોરસમીટરદીઠ રૃા.૧૦૦૦થી ૧૫૦૦ વસૂલવામાં આવતા હોવાનું અને તેની રિસિપ્ટ પણ ન આપતા હોવાની ફરિયાદ બુલંદ બની રહી છે. જોકે પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર કરવાની મૂર્ખામી ન કરતાં આવેલા ઉદ્યોગો આ અંગે ખૂલીને ફરિયાદ પણ કરી શકતા નથી. પરંતુ એક જ પ્લોટની ખરીદીમાં તેને માથે લાખો રૃપિયાનો બોજ આવી રહ્યો હોવાથી તેમની નારાજગી વધી રહી છે. કેટલાક સાહસિકો ખાનગીમાં સ્વીકારે છે કે વર્તમાન રાજકીય પક્ષ દ્વારા વસૂલવામાં આવતી આ ખંડણી જ છે.દહેજમાં અને સાયખામાં આ પ્રકારની સમસ્યા નડી રહી છે. ખાસ કરીને કેમિકલ્સ, ફાર્માસ્યૂટિકલ્સ અને ટેક્સટાઈલે લગતી જીઆઈડીસીમાં આ સમસ્યા વધુ વ્યાપક પ્રમાણમાં હોવાનું અને તેમની પાસે ચોરસમીટર દીઠ સૌથી વધુ એક્સ્ટ્રાનાણાં લેવાતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
શાસક પક્ષના હાથમાં જ આ રકમ જતી હોવાની ઘૂસપૂસ ઉદ્યોગોમાં ચાલી રહી છે, પરંતુ ખૂલીને આ રકમ નહિ ચૂકવે તેમ બોલવાની ઉદ્યોગોની હિમ્મત નથી. જીઆઈડીસી બનાવ્યા પછી ઉદ્યોગોને જે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે તે પ્લોટ લેવલિંગ કરેલા હોતા જ નથી. દોઢ બે મીટરના ખાડાવાળા પ્લોટનું પુરાણ કરવા માટે નાના અને મધ્યમ ઉદ્યોગોએ બહુ જ મોટી રકમનો ખર્ચ કરવો પડી રહ્યો છે.
આ કામ કરવામાં પ્લોટની ફાળવણી પછી ત્રણ વર્ષમાં ફેક્ટરી ચાલુ કરી દેવાના નિયમનો ભંગ થઈ જાય તો તેવા સંજોગોમાં જીઆઈડીસી પ્લોટની ફાળવણી રદ કરી દે છે. તેમ જ તેણે ચૂકવેલા દર પ્રમાણે તેની કિંમત ગણીને તેમાંથી ૧૫ ટકા જેટલી પેનલ્ટી વસૂલીને બાકીની રકમ પરત કરી દે છે. નવી પાર્ટિને નવા બજાર ભાવથી તેઓ પ્લોટ વેચે છે.તેના પર પણ ચોરસમીટરદીઠ ખંડણી વસૂલવાનું ચાલુ જ છે. એજન્ટ્સના માધ્યમથી જ આ કામ થતું હોવાથી એજન્ટ વિના જનારાઓના કામ થવામાં તકલીફ પડે છે.
પ્લોટ વેચીને પછી પાવર સપ્લાય અને રોડ તૈયાર કરી આપવાની પ્રાથમિક જવાબદારી પણ જીઆઈડીસી સમયસર અદા ન કરતી હોવાથી ગુજરાતની અનેક જીઆઈડીસીમાં તકલીફ થઈ રહી છે. ઇન્ડસ્ટ્રી પોતે દૂર દૂરના વિસ્તારના પાવર સ્ટેશનેથી સપ્લાય મેળવવાની ગોઠવણ કરે તો તેને માટે કેબલ લાઈન બિછાવવાનો બહુ જ મોટો ખર્ચો ઔદ્યોગિક એકમ નાખનાર નાના સાહસિકે કરવો પડે છે. આ ખર્ચ તેના ઉદ્યોગની સ્પર્ધાત્મકતા પર અસર કરે છે.
તેમ જ જીઆઈડીસીમાં રોડ પણ વ્યવસ્થિત બનાવી આપવામાં આવતા નથી. પાકા અને ટકાઉ રોડ ન હોવાથી ફેક્ટરી માલિકો તેમના ફોરેન બાયર્સને ફેક્ટરી સુધી લઈ જઈ શકતા નથી. કારણ કે રસ્તા ખરાબ હોવાથી અને અત્યંત ધૂળ ઊડતી હોવાથી કેમિકલ્સ અને ફાર્મા પ્રોડક્ટ્સની ખરીદી કરવા વિદેશથી ગુજરાત આવેલા ગ્રાહકોને કેમિકલ્સ અને ફાર્મા પ્રોડક્ટ્સની ક્વોલિટી જળવાવા અંગે શંકા જન્મે છે. તેની સીધી અસર પણ તેમના બિઝનેસ પર પડી રહી છે.