– તમારો સ્માર્ટફોન જ હવે તમારું એટીએમ કાર્ડ બનશે
– રોકડ ઉપાડવા બેન્ક કે એટીએમમાં જવાની જરૂર નહીં રહે, દેશના અંતરિયાળ વિસ્તારોમાં કરોડો લોકોને રાહત થશે
– રોકડ ઉપાડ સરળ બનાવવા માટે એનપીસીઆઈની દરખાસ્ત હાલમાં આયોજન તબક્કામાં
નવી દિલ્હી : હવે સ્માર્ટફોનથી રોકડ કાઢવી વધુ સરળ થઈ રહી છે. દેશમાં લગભગ દરેક સ્થળે ઉપયોગમાં લેવામાં આવતું યુપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) અત્યાર સુધી રોકડ મોકલવા, બિલ ચૂકવવા અને ઓનલાઇન ખરીદીમાં ઉપયોગમાં લેવામાં આવતું હતું તેનો ઉપયોગ હવે રોકડ ઉપાડ માટે પણ કરી શકાશે. આના પગલે આગામી દિવસોમાં એટીએમ ભૂતકાળ બની જશે તેમ માનવામાં આવે છે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) હવે ક્યુઆર કોડ સ્કેન કરી રોકડ નીકાળવાની સગવડ પણ શરૂ કરવાની તૈયારીમાં છે. તેના માટે લાખો બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ (બીસી) જેવા કે કરિયાણાના દુકાનદાર અથવા નાના સર્વિસ પોઇન્ટ્સને ક્યુઆર કોડ આપવામાં આવશે. ગ્રાહક પોતાના મોબાઇલમાં કોઈપણ યુપીઆઈ એપથી કોડ સ્કેન કરીને રૂપિયા ઉપાડી શકશે.
એનપીસીઆઈએ રિઝર્વ બેન્કની મંજૂરી માંગી છે કે યુપીઆઈ દ્વારા રોકડ ઉપાડની સગવડ પણ બિઝનેસ કોરસપોન્ડન્ટ્સને પૂરી પાડવામાં આવે. એનપીસીઆઈના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ યોજના હજી આયોજનના તબક્કે છે અને તેના પર અંતિમ નિર્ણય લેવાયો નથી. આજની તારીખેમાં યુપીઆઈથી કાર્ડલેસ રોકડ ઉપાડ ફક્ત નિયત એટીએમ કે ખાસ દુકાનદારો વચ્ચે જ શક્ય છે. આ સગવડને આખઆ દેશમાં ૨૦ લાખ બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ સુધી ફેલાવવામાં આવશે.
અંતરિયાળ વિસ્તારોમાં રહેતાં લોકો બેન્કિંગ સગવડોથી વંચિત વિસ્તારોમાં રહે છે. તે બેન્ક શાખાઓનું એક્સ્ટેન્શન બની કામ કરે છે. તે લોકોને બેન્કિંગ અને નાણાકીય સેવાઓ પૂરી પાડવામાં મદદ કરે છે. એનપીસીઆઈએ ૨૦૧૬માં યુપીઆઈ બનાવ્યું હતું અને લોન્ચ કર્યુ હતુ અને તેના દાયકા પછી તે યુપીઆઈથી રોકડ ઉપાડવાનું સરળ બનાવવાનું લોન્ચ કરશે.
સરકાર બેન્કિંગ સેક્ટરમાં યુપીઆઈથી રોકડ ઉપાડને સરળ બનાવવા પર કામ કરી રહી છે. હવે કોઈ ગ્રાહક બીસી આઉટલેટ પર જશે તો યુપીઆઈથી ક્યુઆર કોડ સ્કેન કરીને રોકડ ઉપાડી શકશે. કયુઆર કોડ સ્કેન કરવાની સાથે ગ્રાહકના ખાતામાંથી તેટલી રકમ ડેબિટ થઈ જશે. તેટલી જ રકમ બીસીના ખાતામાં ક્રેડિટ થઈ જશે. તેના પછી બીસી ગ્રાહકને રોકડ આપશે. હાલમાં માઇક્રો એટીએમની સગવડ છે, પરંતુ તેનો બહુ ઓછા લોકો ઉપયોગ કરે છે.